ટહુકોને હજુ ગઇ કાલે ૧૦ વર્ષ થયા, અને ૬ મહિના પહેલા કવિ મિત્ર ડૉ. વિવેક ટેલરે પણ એમના સ્વરચિત કાવ્યોના બ્લોગ – http://vmtailor.com/ – ની દશાબ્દિ ઉજવી! ટહુકો શરૂ થયો એ પહેલાથી વિવેકનો અપ્રતિમ પ્રેમ સાથ અને સહકાર મળ્યા છે. ગુજરાતી કવિતા માટેનો એનો લગાવ, અને લયસ્તરો, ટહુકો અને શબ્દો છે શ્વાસ મારા માટેનો એનો ઉત્સાહ કદાચ સૌથી મહત્વનું બળ છે કે આ ત્રણે વેબસાઇટ આજે ફેસબુક – વોટ્સએપ અને બીજા બધા ‘સોશિયલ મિડિયા’ના મારા સામે પણ આજ સુધી ટકી રહી છે..
વિવેકે ‘શબ્દો છે શ્વાસ મારા’ ના દસ વર્ષ પર જે વાત કરી – એ અહીં અક્ષરસઃ ટાંકું છું –
દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.
-વિવેક મનહર ટેલર
તો સાથે વિવેક તરફથી મળેલો આ શુભેચ્છા સંદેશ… અને એના ગીત-ગઝલના આલ્બમ ‘અડધી રમતથી’ માં સ્વરબધ્ધ થયેલી એક મઝાની ગઝલ સાંભળીએ. અને વળી એનું સ્વરાંકન મેહુલ સુરતીએ કવ્વાલી જેવું એકદમ અલગ કર્યું છે, અને એમાં પાર્થિવ ગોહિલનો સ્વર મળે એટલે?
સ્વર – પાર્થિવ ગોહિલ
સ્વરાંકન – મેહુલ સુરતી
રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.
સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?
એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.
હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.
આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?
માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.
-વિવેક મનહર ટેલર