ઘરમાં રહું ને તોયે ભીંજાઉ સોંસરવી – ભગવતીકુમાર શર્મા

સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
ઓડીઓ માટે સૌજન્યઃ mavjibhai.com

.

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સ્વર – નૂપુર મોદી
સંગીત – ડો. પ્રભાતદેવ ભોજક

.

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ સોનલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરાં ગુલમહોર ને તે વાવવો?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ ને
ઘરમાં આવીને ગીત છેડજે!

કેટલું તો મ્હેકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો?

ઝુમ્મર જડેલી મારી છતમાં ઘેરાય
આવી વાદળ શ્રાવણને અષાઢના
ઓકળીયે ટપ ટપ હું પગલાં મુકુને,
વન ઉભરાયે ભીની લીલાશનાં
વાડામાં વહેતી હો નાનકડી નીક,
એમાં દરિયો તે ક્યાંથી છલકાવવો ?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
-ભગવતીકુમાર શર્મા

2 replies on “ઘરમાં રહું ને તોયે ભીંજાઉ સોંસરવી – ભગવતીકુમાર શર્મા”

  1. હું તો તમને.
    વારમ વાર કહું છું…
    તમે ભીંજાતા હશો પણ..
    હું તો માત્ર
    કોરો ધાકોર રહું છુ…

    નરેન્દ્ર સોની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *