તું જરાક જો તો, અલી ! – વિનોદ જોશી

સ્વર : હિમાલી વ્યાસ નાયક
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

તું જરાક જો તો, અલી !
આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી.

ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ,
વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;
હું હવા વગર હલબલી !

ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ,
શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;
હું મટી ગઈ મખમલી !

કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ,
પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;
હું તળીયામાં છલછલી !

– વિનોદ જોશી

5 replies on “તું જરાક જો તો, અલી ! – વિનોદ જોશી”

  1. તું જરાક જો હિમાલી!
    આ તારી ‘સંગત’ માં હૈયે મચી ગઈ ખલબલી!

    ફરી ફરીને ગીત તમારું સાંભળું સઘળું ભૂલી,
    બંધ કરી મેં પાંપણ રાખી કાનની ખડકી ખુલી!
    મુજ નીયત થઈ મનચલી!

    • સુંદર સ્વરાંકન, મીઠી ગાયકી અને કવિ શ્રી વિનોદભાઈ ની રસથી સભર કવિતા, ત્રિવેણી સંગમ, વાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *