આમ અચાનક જાવું નો’તું – દેવજીભાઈ મોઢા

સ્વર : આરતી – સૌમિલ મુન્શી
સંગીત : દક્ષેશ ધ્રુવ

.

આમ અચાનક જાવું નો’તું,
જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું!

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
(આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી)

તેં મનભર મુજને એવું ચાહ્યું
કે ઊખડી તું એનું દુખ થયું જે કોઈને ના જાય કહ્યું,
જાવું’તું તો ચંદરને થઈ એક ચકોરી તારે ચાહવું નો’તું!

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
(ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા)

તેં પ્રણયામૃત એક પાત્ર ધર્યું,
મુજ કાજે શું શું તેં ના કર્યું, પણ આજ ભાગ્યનું ચક્ર ફર્યું,
જાવું’તું તો ખોબે ખોબે હ્રદયસભર અમી આપવું નો’તું!

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
(દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
(લ્યો લ્યો રે દાદા ચુંદડી)

તુજ ઓષ્ઠોથી એક ગીત સર્યું,
મટકીથી શીતળ જળ ઝર્યું, કિન્નરી કંઠથી કવન કર્યું.
જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું!

———————–

કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!

આવાં વૃક્ષ અને વેલ જેવાં પતિ અને પત્નીને ભાગ્યવશાત જુદાં પડવાનું થયું ત્યારે એમના ઉપર શું વીતતું હશે? કવિ ખૂબ જ સરળ ભાષામાં પતિની એ વેદનાને વ્યક્ત કરતાં કહે છે કે આમ અચાનક જાવું નો’તું, જાવું’તું તો તરુવર ફરતું વેલી શું વીંટળાવું નો’તું! એ વેદના એટલી તીવ્ર હોય છે કે ઘડીભર તો કહેવાનું મન થઈ જાય કે આમ મને છોડી દેવાના હતા તો આટલો બધો પ્રેમ કેમ કર્યો?? બન્નેને એ જુદાઈનો શૂન્યાવકાશ સહન કરવો કપરો લાગે છે. પતિનું આ દુખ એ કોઈને કહી શકતો નથી કારણ કે કોઈ એને સમજી શકે એટલું sensitive છે જ નહીં. અને આ કહેતાં કહેતાં એને હમણાં જ દૂર થયેલી પત્ની યાદ આવે છે…આજ સખી એણે આંખલડીના કાજલની કરી ચોરી એ ગીતને સ્ત્રીના અવાજમાં મૂકીને સ્વરકાર દક્ષેશ ધૃવે કમાલ કરી છે. જુદાઈમાં ઝૂરતો પતિ કે જેની સંવેદના વિયોગથી ક્ષુબ્ધ થઈ ગઈ છે, જેને થાય છે કે વેલી શું વીંટળાવું નો’તું, એને પાછી પત્નીની મીઠી યાદ આવી જાય છે એના પ્રતિક રૂપે આ ગીતની પંક્તિ સ્ત્રીના અવાજમાં આવે છે- કાજલની કરી ચોરી….પતિની પાછી ભૂતકાળનાં સંસ્મરણોની સફર આગળ ચાલે છે- એણે મને ખોબે ખોબા ભરીને પ્રણયામૃત પાયું હતું, એણે પોતાના પ્રાણ રેડીને કેટકેટલું કર્યું હતું મારા માટે! આખી દુનિયાને એક બાજુ પર રાખીને ધસમસતી નદીની જેમ મને વળગી પડી હતી એ! સ્વરકાર અહીં પાછા પત્નીના અવાજમાં એક ગીત લઈને આવે છે- ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા! પણ પાછો એ વિરહી જીવ વર્તમાનમાં આવે છે ત્યારે બોલી પડે છે કે હ્રદયસભર અમી આપવું નો’તું!! પતિનું આ મીઠી યાદો વાગોળવી અને પાછું કહેવું કે આટલો બધો પ્રેમ કરવો નો’તો એ ચાલુ જ રહે છે….

પતિને યાદ આવે છે પત્નીનું એ ગીત કે જે પતિ કોઈ કામથી બહારગામ ગયા હોય ત્યારે ફોન ઉપર વારંવાર ગાતી હતી, મસ્તી ચડે ત્યારે ગાતી હતી, કૃતજ્ઞતાથી ઘેલી થઈને ગાતી હતી…એવું તો એ ગીત એના કાનમાં ગાયું હતું કે એ એમનું જીવનસંગીત બની રહ્યું હતું. બન્નેનાં જીવન જ એક ગીતરૂપ બની ગયાં હતાં કે લોકો એ ગીતને ગાતાં હતાં, અનુસરતાં હતાં. છોકરો અને છોકરી હમણાં જ પ્રેમમાં પડ્યા હોય તો આ પતિપત્નીનાં જીવનગીત સમું જીવવાના એકબીજાને કોલ આપતાં હતાં! પત્નીનો એક એક બોલ જાણે મટકીથી શીતળ જળ ઝર્યું! પત્નીના જીવનની એક એક ક્ષણ એના માટે કવિતા બની રહેલી. સ્વરકાર અહીં પણ પત્નીના અવાજમાં બે ગીત લાવી મૂકે છે….પણ આખરે તો એ કરૂણ વાસ્તવિકતા આવી ઊભી કે જનમ જનમ યાદ રહી જાય એ ગાણું તારે ગાવું નો’તું! શું કરે એ પરાધીન હ્રદય? એને ખબર છે કે પત્નીની મીઠી યાદો જ એના શેષ જીવનનું પાથેય છે, છતાં પલભર તો બોલાઈ જાય છે કે તમે આટલો બધો પ્રેમ મને કેમ કર્યો?

Note: અહીં પતિપત્નીના એકબીજાથી દૂર જવાના સંદર્ભમાં ઉપરનું લખાણ લખાયું છે, પરંતુ હકીકતમાં કવિ દેવજીભાઈ મોઢાએ પોતાની સહધર્મચારિણીના મૃત્યુ સમયે આ રચના કરી હતી. એના સ્વરનિયોજન માટે ક્ષેમુભાઈ દિવેટીયાને આ ગીત આપવામાં આવ્યું હતું, પણ એ વખતની એમની અત્યન્ત સંવેદનશીલ સ્થિતિને લીધે એ સ્વર આપી શક્યા નહીં. એટલે આખરે દક્ષેશભાઈ ધૃવે એનું સ્વરાંકન કર્યું અને ક્ષેમુભાઈનાં પત્ની સુધાબેનની યાદ રૂપે એમનાં ગાયેલાં/મનપસંદ ગીતોની એક-બે પંક્તિઓ દેવજીભાઈ મોઢાના ગીતની વચ્ચે વચ્ચે મૂકી દીધી!…અને શ્રુતિવૃંદ તરફથી સૌમિલ-આરતી મુન્શીએ એ ગીત ગાયેલું!!

22 replies on “આમ અચાનક જાવું નો’તું – દેવજીભાઈ મોઢા”

  1. અનુભ્વે આ કવિતા સમજિ રદ્દિ લિધુ ૯૧ વશે વિધુર……..poem is very sencetive … i fill the experience mentioned in the poem … you have been doing very useful service GOD BLESS you narenadr

  2. એક દિવસ હકિકત બનવાનિ અને આ વિચાર થિ જ ધબકારો ચુકિ જાય ચે.એકલતા નિ પિડા ઘણિ આકરિ
    ે.

  3. Respected shree Devaji Bhai was a principal and founder of Navayug vidyalaya – PORBANDAR.

    He was a great poeter.
    He was a Winner of Rashtrapati award.

    Mara fali na zadvan be hata
    Karta ek di vaato
    Karta ek di vaato

    is best and very emotional poem
    of Devjibhai

    and Mr. Soumil Munshi , Aarti Munshi very very congratulation for singing this song,

    I am employee of NAVAYUG VIDYALAYA – PORBANDAR

  4. ખુબ જ ભાવસભર ગીત ફરી ફરી સાંભળવાનું દિલ થયા કરે છે.

  5. બહુજ સુન્દર તથા અતિ સેન્સીબલ ગીત.

    પતિ અથવા પત્નિ માઁથી એકે તો આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે. આવુ દુઃખ સહન કરવાનુઁ આવેતો ? બાપ રે બાપ.

    દેવજીભાઈ ને ખરેખર કોટી કોટી અભિનન્દન અને મુબારકબાદ.

    ફરીથી લખવ્ય્ઁ પડે છે કે ખુબજ સરસ.

  6. અતિ સંવેદનશીલ અને હ્રદયસ્પર્શી ગીત, સાથે નીચેની નોંધ પણ એટલી જ અસરકારક…
    વાંચીને સાચે જ રડવું આવી ગયુ.
    થયું કે આટલુ મોડી કેમ નજર પડી?, પણ હું તો આ સાઈટના સંપર્કમાં જ મોડી આવી એટલે એમજ હોયને?
    આભાર, જયશ્રીબેન
    સીમા

  7. Jayshreeben,
    It may be a good idea to include a city field right after the commentator’s name. This may spawn new social groups of interested people. Especially, with relatively sparse population of fans of Gujarati Literature.

  8. આભાર ઇન્દ્રવદનભાઇ,
    પણ હું તો એક Accountant છું. હા, એક વાત સાચી, કે ટહુકો બનાવતી વખતે ( અને હજુ પણ ) ઘણા software engineer મિત્રો એ મદદ કરી છે.!!
    બધા તરફથી એક આભાર એમને પણ..!! 🙂

  9. this song is so much emotinal i cry every time i hear and praise the composition and lyric.
    god bless you jayshriben.this is the right use of your knowledge of software engineering in computer.

  10. ખુબ કરુનાસભર હ્રદયને સ્પર્શિ જય તેવિ ગિત રચના અને એટલુ જ સુન્દર કમ્પોસઝિશન અને એટલુજ સુન્દર રિતે ગવાયુ કે ભલ ભલાનિ આન્ખમ અશ્રુ આવિ જાય.
    કિર્તિકુમાર શાહ

  11. જનમ જનમ રહી જાય યાદ એવુ ગાન તારે ગાવુ નહોતુ——
    બહુ જ સુન્દર
    આમ જ સદાય ટહુકો ટહુકાવ્યા કરસો!!!!!!!!!!!!!

  12. અમારા જેવા સાંઠી વિતાવી ચુકેલાઓ ની આંખો અચૂક ભીની થઈ જ જાય.આવા ગીતો અને સાથે ની note સાંભળવાની/વાંચવાની સંવેદના જગાડી તેં તો..ભત્રીજી.
    કાકા-કાકીના અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *