આલ્બમ : સંગત
સ્વર : સુરેશ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
.
રોજ કોઈ ઝંખના મનને છળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.
શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.
સૂર્ય ઊગે કે નગર આખુંય તમને,
હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.
ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.
થાકને પડખામાં રાખી સૂઈ રહો,
ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.
પાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.
પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
તે છતાં કહેવું કે લીલાલ્હેર છે.
-પ્રણવ પંડ્યા
અભિનંદન આપ્યા છે
બહુજ સરસ ગીત
રચના કરી છે
ખુબજ સાચી અને સટીક ગઝલ.. આપણે સહુ એક ‘make belief’ જિંદગી-જગતના ભાગરૂપે આડંબર અને અસત્યના પડળોમાં વીંટલાયા હોવા છતાં કહીએ છીએ કે ‘લીલા-લ્હેર’ છે. ‘I am okay, you are okay’ ના છળ ને જીવતા લોકો – બધાજ.. હું પણ, મોટા ભાગના તમે પણ. કવિને અભિનંદન. ‘ટહુકો’ નો આભાર.
Very well written, very well sung poem. Thanks for the same.
લીલાલ્હેર છે.
ખૂબ જ સુંદર રચના