શ્રી રાસબિહારી દેસાઈને સ્વરાંજલિ : સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી

બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી: રાસબિહારી દેસાઈ (23/6/1935-6/10/2012)

મારા જેવા કેટલાંય કલાકારોના ગુરુ રાસભાઈને સહર્ષ યાદ કરું છું.
રાસભાઈનો અવાજ પહેલી વાર ક્ષેમુભાઈના સ્વરાંકનમાં એમણે ગાયેલા ગીત ‘મધરાતે સાંભળ્યો મોર’માં સાંભળ્યો. મારી ત્યારે 11 વર્ષની ઉંમર. ટાગોરના એક કાવ્યમાં આ પંક્તિઓ છે-
‘સુનિ સેઈ સૂર
સહસા દેખિતે પાઈ દ્વિગુન મધુર
આમાદેર ધરા‘
(એ સૂર સાંભળીને એકાએક પૃથ્વી છે તેનાથી બેવડી સુંદર લાગવા માંડી)
આવી જ અનુભૂતિ મને રાસભાઈનો મેઘઘેરો (જાણે કે ગુફામાંથી આવતો ના હોય એવો) અવાજ સાંભળીને થઇ.
ઉમાશંકર જોશીએ ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનના અવસાન પર શિખરિણી છંદમાં એક કાવ્ય લખ્યું. એની આ પંક્તિઓ હું રાસભાઈ માટે ઉપયોગમાં લેવા માંગુ છું-
‘હતું તારે કંઠે પરમ કંઈ કરણામૃત રસ્યું
બધાયે નાદોને જીવતર મળ્યું કંઠ તુજથી’
એ સ્વરલીન થયા 6/10/2012ના દિવસે પણ છેલ્લે સુધી એટલે કે 4/10/2012 સુધી તો સ્ટુડિયોમાં એમણે ગાયું. મકરંદ દવેને યાદ કરું?-
‘અમે ગાતાં ગાતાં જાશું,
આ નગરીને છેલ્લે દરવાજે
વિદાય સાંજે મધુર અવાજે સલામના સૂરે
સુંદરના ખોળે ધન્ય સમાશું
અમે જાતાં જાતાં ગાશું
અમે ગાતાં ગાતાં જાશું’
ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષમાં એમનાં ગીતોનાં અમારા આલબમ ‘ગીતગંગોત્રી’માં રાસભાઈએ ગયેલું ગીત છે-
‘સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી,
પૃથ્વી પગથારે ઘૂમે ભમતા અવધૂત કોઈ વિશ્વંભર ભરવા નયણે રે હો જી’
આ ગીત રેકોર્ડ કરવા માટે મેં ખૂબ સંકોચ સાથે રાસભાઈને પૂછ્યું. મનમાં સંદેહ કે મારા જેવા જુનિયર સ્વરકારનું ગીત ગાવા એમને પૂછાય? પણ એમણે તો સહજતાથી, કોઈ પણ શરત વિના ગાવાનું સ્વીકાર્યું; એટલું જ નહિ પ્રોત્સાહનના શબ્દો કહી મને પોરસાવ્યો. રાસભાઈએ એકતારા એન્ડ ડફ ઉપર ફકીરી અદામાં અવધૂતી મસ્તીથી આ ગીત ગાયું છે.
ઉત્તમ શિક્ષક, પ્રતિબદ્ધ, પ્રતિભાસંપન્ન અને નિષ્ઠાવાન કલાકાર રાસભાઈને પ્રણામ.
– અમર ભટ્ટ

સ્વર – શ્રી રાસબિહારી દેસાઇ
સ્વરાંકન – અમરભટ્ટ

.

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
– સૂરજ..

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
– સૂરજ..

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે જી.
– સૂરજ..

ગગન ઘેરીને આજે દર્શન વારસો રે વ્હાલા!
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે જી.
– સૂરજ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *