ચાલ પર્વત પર ચડીને – ખલીલ ધનતેજવી

કાવ્ય પઠનઃ ખલીલ ધનતેજવી

.


photo from internet

ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ.

એક ચાંદો આભમાં બી જો અગાશીમાં ઊગ્યો,
બેઉમાંથી કોને સાચો, કોને ખોટો પાડીએ.

બાળપણ, યૌવન, બૂઢાપો, વેશ સૌ ભજવી ચૂક્યા,
થૈ ગયું પૂરું આ નાટક, ચાલ પડદો પાડીએ.

ભૈ આ મારી નામના છે શી રીતે વહેચું તને,
બાપની મિલકત નથી કે ભાગ અડધો પાડીએ.

હા,ખલીલ એવું કશું કરીએ સૌ ચોંકી ઊઠે,
થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
– ખલીલ ધનતેજવી

———————————————

હવાનો હાથ જાલીને રખડતા આવડી ગ્યુ છે,
મને ખુશ્બૂની દુખતી રગ પકડતા આવડી ગ્યુ છે.

હવે આનાથી નાજૂક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી,
મને પાણીના પરપોટાને અડતા આવડી ગ્યુ છે.

બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગ્યુ છે.

હવે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતા આવડી ગ્યું છે.
– ખલીલ ધનતેજવી

————————————————

સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો
તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો

બંગલો તો ઓછેવત્તે ગમે ત્યાં મળી જશે
ઘર, ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો

શત્રુ તો ઉઘાડો છે છડેચોક દોસ્તો
મિત્રોને પારખે એ નજર ક્યાંથી લાવશો

શંકરની જેમ નાગને મફલર કરી શકો
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો

મંજિલ ‘ખલીલ’ આવશે રસ્તામા ક્યાંક પણ
સથવારો હોય એવી સફર ક્યાંથી લાવશો
– ખલીલ ધનતેજવી
———————————-

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો.

એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?
એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
– ખલીલ ધનતેજવી

5 replies on “ચાલ પર્વત પર ચડીને – ખલીલ ધનતેજવી”

  1. આજે શ્રી ખલીલ ધનતેજવી સાહેબનું દુખદ અવસાન થયું છે એ જાણીને ખિન્ન થઈ જવાયું. એક અત્યંત પ્રતિભાવંત શાયર ને આપણે ગુમાવ્યા છે. એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ.

  2. આજે શ્ખરી લીલ ધનતેજવી સાહેબનું દુખદ અવસાન થયું છે એ જાણીને ખિન્ન થઈ જવાયું. એક અત્યંત પ્રતિભાવંત શાયર ને આપણે ગુમાવ્યા છે. એમના આત્માને શાંતિ પ્રાપ્ત થાઓ.

  3. હા,ખલીલ એવું કશું કરીએ સૌ ચોંકી ઊઠે,
    થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
    ………….
    સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો
    તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો
    ………….
    ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
    મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

    ત્રણેય રચના ખૂબ ગમી …આભાર ખલિલ સાહેબ ……

  4. ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
    મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.

    waah…ketlo gahan sher…Khalilbhai…waah.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *