તમે અમદાવાદ જાઓ અને કોઈ પણ માણસને બૂમબરાડાના ખ્યાલ વિના, ચોખ્ખા મોટા અવાજે આક્રોશ અને ઝનૂનપૂર્વક, ભીતરના કન્વિક્શનથી સાહિત્ય, સમાજ, રાજકારણ કે જીવન વિશે, વાણીનું વીર્ય શું હોઇ શકે એનો અનુભવ આપે એવી રીતે વાત કરતો સાંભળો તો એ નિરંજન ભગત જ હશે. તમારા અનુમાનમાં તમે કદી ખોટા નહીં પડો. વાણીનો નાયગરા એટલે નિરંજન. બોલે, ખૂબ બોલે. સાંભળનારને બે કાન ઓછા લાગે એટલું બોલે, જે વિષય પર બોલે એમાં પૂરી તન્મયતાથી બોલે. પેરિસની વાત કરતા હોય ત્યારે આખું ને આખું પેરિસ પી ગયા હોય એ રીતે બોલે. બોલવામાં કોઈની શેહ-શરમ નહિ. આપી શકે તો એ કોઈને આપી શકે, અને એ જે આપે તે અમૂલ્ય હોય, જીવન અને વાચનનો આપણને યાદગાર અનુભવ જ આપે. એને કોઈ પાસેથી કશું લેવું નથી, એ કશુંક લેતા હોય તો તમારો સમય અને કાન. અને ખરેખર તો એ પણ લેતા નથી. એમને સાંભળીએ છીએ ત્યારે કાન ધન્ય થાય છે અને સમય સાર્થક થાય છે.
– સુરેશ દલાલ
******
પઠન : નિરંજન ભગત
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
.
હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા ને સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.
– નિરંજન ભગત