કાન તને રાધા ગમે કે મીરાં – ઈશુદાન ગઢવી

સ્વર : અનુપ જલોટા
કાર્યક્રમ : સમનવ્ય ૨૦૦૮

સ્વર : પામેલા જૈન

કાન તને રાધા ગમે કે ગમે મીરાં?
એકે કાળજ કરવત મેલ્યાં, એકે પાડ્યા ચીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

એકે જોબન ઘેલી થઈને તુજને નાચ નચાવ્યો;
એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યો.
એકે તુજને ગોરસ પાયાં, એકે ઝેર કટોરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

પચરંગી પાનેતર તું વિણ રાધે કદી ન પહેર્યા;
મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી ન ઓઢીયાં.
એકે ઓઢી શ્યામ ઓઢણી, એકે ભગવત લીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

મલક બધાનો મેલી મલાજો રાધા બની વરણાગણ;
ભરી ભાદરી મેલી મહેલા તો મીરાં બની વીજોગણ.
એક નામની દરદ દીવાની, બીજી શબદ શરીરા!
કાન તને રાધા ગમે કે મીરાં?

કીધું ક્રિષ્નએ પૂછો એટલું મળે ક્યાંય જો રાધા;
મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા?
મોરે અંતર રાધા વેણુ વગાડે, ભીતર મીરાં મંજીરા!
કાન કહે મારે બે સરખાં રાધા-મીરાં!
કાન તને રાધા ગમે કે મીરાં?

5 replies on “કાન તને રાધા ગમે કે મીરાં – ઈશુદાન ગઢવી”

  1. આ ગીતનો ઇતિહાસ છે. હજી ગઈકાલે જ ઇસુભાઈ ગઢવી જે હિમતનગર રહે છે તેઓ ભાવનગર આવ્યા હતા અને આ ગીત નું પઠન કરતાં તેમણે જણાવ્યું કે આ ગીત ‘રામ તેરી ગંગા મૈલી’માં કોપી થયુ છે અને એનો એમણે કેસ પણ કરેલો (ઇક રાધા ઇક મીરા દોનોંને શ્યામ કો ચાહા). ઇસુભાઈનું આવો તો સાજણ છૂંદણાંનો મોર કરી રાખું’ એવું ગીત છે કે મારી કોઈ પણ મહેફિલમાં એની ફરમાઈશ ન આવે એવું બને નહીં…

  2. કેવુ સરસ ભજન! પણ કમનસીબ કે પુરુ સોભળવા નથઈ મળતૌ

  3. સરસ ભજન સગીત માણવા મળ્યુ, આનદ આનદ થઈ ગયો…………આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *