લગ્નગીત ૧ : પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં સ્પેશ્યલ… અને અહીં ટહુકો પર માણીએ લગ્નગીતો સ્પેશ્યલ..!!    🙂 આ નવેમ્બરમાં ક્યારના પૈણું પૈણું કરતા બે મિત્રોના લગ્ન થઇ રહ્યા છે… (કોઇ પાસે પેલું ‘ગગો કે’દાડાનું પૈણું પૈણું….‘ વાળું ગીત છે? કશેથી એ ગીત મળે તો ટહુકો પર મુકવું છે… ખાસ એ મિત્રો માટે..!! ) તો અઠવાડિયા સુધી આપણે આ લગ્નગીતો સ્પેશિયલની મઝા લઇએ..!! કોના લગ્નના ગીતો અને ફટાણા ગવાઇ રહ્યા છે, એ વાતો અઠવાડિયા પછી.! 🙂

* * * * *

.

( અહીં મુકેલા ઓડિયો પરથી લખેલા શબ્દો : )

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે હો… મારા ગણેશ દુંદાળા

ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા
તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા
હરખ્યાં છે ગૌરીના મન રે હો મારા ગણેશ દુંદાળા
હરખ્યાં છે માવડીના મન રે હો મારા ગણેશ દુંદાળા

ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ
તમે આવ્યે મારે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા
વિવાહ ઘરણી ને જગન જનોઇ
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા

————–

(માવજીભાઇ.કોમ પર ગણેશ સ્થાપના-૧ અને ગણેશ સ્થાપના-૨)

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો
ઘોડલે પિત્તળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા હાથીડા શણગારો
હાથીડે લાલ અંબાડી રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા જાનીડા શણગારો
જાનડી લાલ ગુલાલ રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડા ધોરીડાં શણગારો
ધોરીડે બબ્બે રાશું રે મારા ગણેશ દુંદાળા

કૃષ્ણની જાને રૂડી વેલડિયું શણગારો
વેલડિયે દશ આંટા રે મારા ગણેશ દુંદાળા

વાવલિયા વાવ્યા ને મેહુલા ધડૂક્યા
રણ રે વગડામાં રથ થંભ્યા રે મારા ગણેશ દુંદાળા

તૂટ્યા તળાવ ને તૂટી પીંજણિયું
ધોરીડે તૂટી બેવડ રાશું રે મારા ગણેશ દુંદાળા

ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ
તમે આવ્યે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા

અમે રે દુંદાળા ને અમે રે ફાંદાળા
અમ આવ્યે તમે લાજો રે મારા ગણેશ દુંદાળા

અમારે જોશે સવા મણનો રે લાડુ
અમે આવ્યે વેવાઈ ભડકે રે મારા ગણેશ દુંદાળા

વીવા, અઘરણી ને જગવને જનોઈ
પરથમ ગણેશ બેસાડું રે મારા ગણેશ દુંદાળા
————–

પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા

તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા
હરખ્યાં ગોવાળિયાનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યા
હરખ્યાં માળીડાનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા સરોવર પધાર્યા
હરખ્યા પાણિયારીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા શેરીએ પધાર્યા
હરખ્યા પાડોશીઓનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા તોરણે પધાર્યા
હરખ્યા સાજનિયાંનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા માંડવે પધાર્યા
હરખ્યા માતાજીનાં મન રે, મારા ગણેશ દુંદાળા

તેત્રીસ કરોડ દેવતા માયરે પધાર્યા
હરખ્યા વરકન્યાનાં મન રે, મારા ગણેશ દુંદાળા

—————-

(લયસ્તરો પરની સપ્તપદી વિશેષ ઉજવણીનાં ભાગરૂપે, ટહુકો પર લગ્નગીતો પર્વ અને ગાગરમાં સાગર પર ફટાણાં સ્પેશિયલ)

13 replies on “લગ્નગીત ૧ : પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા”

  1. જયશબહેન

    મારે કવિ નર્મદ નુ “શુ શા પૈસા ચાર” કવિતા જોઈઐ છએ.

    આભાર.

  2. જ્યારે લગ્ન ની મોસમ પુર બહાર મા જામેલ હોય ત્યારે આવા ગીત શામ્ભળ્વા ગમે

  3. ગુજરાતમાં જ્યારે NRI/લગ્ન સીઝન આવી રહી છે ત્યારે ફટાણા મહોત્સવ
    સમયસરનો કહી શકાય.

    લગ્ન ટાણે ફટાણા ગવાતાં હોય ત્યારનો માહોલ જીંદગીભરનું સંભારણું બની જાય છે.
    ફટાણા વિસ્તાર અને પ્રાંત અને જ્ઞાતિ આધારિત પણ હોય છે.

    સમયસરની રજૂઆત.

  4. લગ્નમા મહાલતા હોય એવો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે, સમયાનુસર પ્રસન્ગોની ઉજવણીમા સામેલ કરતા રહો છો એ માટે તમારો આભાર, શ્રી જયશ્રીબેન અને ગીતની પંસદગી માટે અભિનદન………

  5. વિવેકભાઇ,
    જાન તો તમે જ કાઢી છે ને… જાનૈયા થઇને તો અમે જોડાઇ ગયા છે.! 🙂

  6. We have enjoyed this song very much and thank you very much. Please inform us name of the singer and Album. We want to get it.

    Thanks and good luck.

    Hemangini

  7. અમને ગિત બહુ ગમ્યુ. આલ્બમ નુ નામ જણાવસો.ગાયિકાનુ નામ પણ જણાવસૉ.

  8. અઠવાડિયા સુધી તો લગ્નગીતો સાંભળવાની બહુ મજા આવશે.
    પ્રથમ ગીત જ ઘણું સરસ મુક્યું છે.

  9. લગ્નગીતોના રંગરંગીન મહોત્સવમાં જોડાવું કોને ન ગમે? જાનૈયાઓની યાદીમાં અમને પણ શામેલ કરજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *