ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ!…..

આજે આપણા લાડીલા લોક ગાયક/સ્વરકાર પ્રફુલ દવેનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમના કંઠે આ મજાનું લોકગીત.….Happy Birthday Prafulbhai!!

(ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ!)

સ્વર – પ્રફુલ દવે, ?
સંગીત – ?

.

કોઇ પ્રેમિક ગોવાળ અરજણિયાને એની પરણેલી પ્રેમિકા ચેતવણી આપતી ને મોહ પામતી સંબોઘી રહી છે. મૂળ ગીત નાયિકાના ભાવનું છે. સ્વરાંકિત થયેલું ગીત યુગલગીત છે અને એના શબ્દોમાં થોડો ફેર પણ છે..! (અહીં રજૂ કરેલા શબ્દો મૂળગીતના છે..!)

ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં,
એ લે’રીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા !

ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી ઝૂંપડી,
એ લે’રીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યો રે, અરજણિયા !

ભેસું તારી ભાલમાં, ઘાયલ ! રે ભેસું તારી ભાલમાં,
એ લે’રીડા! પાડરું પાંચાળમાં ઝોલાં ખાય રે, અરજણિયા !

ગાયું તારી ગોંદરે, ઘાયલ ! ગાયું તારી ગોંદરે,
એ લે’રીડા! વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા !

પાવો વગાડ્ય મા, ઘાયલ ! રે પાવો વગાડ્ય મા,
એ લે’રીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે,અરજણિયા !

ચીતું રે લગાડ્ય મા, ઘાયલ ! ચીતું લગાડ્ય મા,
એ લે’રીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા !

બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ ! રે બખિયાળું કડીઉં,
એ લે’રીડા! તેદુંનો છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!

ખંભે તારે ખેસડો, ઘાયલ ! રે ખંભે તારે ખેસડો,
એ લે’રીડા! તેદુનો છાંડેલ અમારો નેસડો રે, અરજણિયા !

રૂપાળીને મોઇશ મા, ઘાયલ ! રે રૂપાળીને મોઇશ મા,
એ લે’રીડા! રૂપાળી બાવડાં બંઘાવશે રે, અરજણિયા !

કુંવારીને મોઇશ મા ઘાયલ ! કુંવારીને મોઇશ મા,
એ લે’રીડા! કુંવારી કોરટું દેખાડશે રે, અરજણિયા !

ખોળામાં બાજરી ઘાયલ ! રે ખોળામાં બાજરી,
એ લે’રીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા !

ખોળામાં ખજૂર છે ઘાયલ ! રે ખોળામાં ખજૂર છે,
એ લે’રીડા! તારા જેવા મારે મજૂર છે રે, અરજણિયા !

પાવો વગાડ્ય મા, ઘાયલ ! રે પાવો વગાડ્ય મા,
એ સેલુડા ! પાવો સાંભળીને પ્રાણ વીંઘાય રે, અરજણિયા !

તારે મારે ઠીક છે, ઘાયલ ! રે તારે મારે ઠીક છે,
એ લેરીડા ! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા !

લીલો સાહટિયો, ઘાયલ ! રે લીલો સાહટિયો,
એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું રે, અરજણિયા!

૧) હરણ્યું – હરણી નક્ષત્ર
૨) નેડો – નેહડો, સ્નેહ
૩) હાલાર, પાંચાલ, વઢિયાર – એ પ્રદેશોનાં નામ છે.
૪) નેસડો – નેસ,વનવાસીઓનું નાનું જંગમ ગામડું.
૫) સાહટિયો – ઉનાળુ જુવારના મોલ, મૂળ શબ્દ ‘છાસઠિયો’: છાસઠ દિવસમાં પાકનારું ઘાન્ય.

(“રઢિયાળી રાત”, શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા કરાયેલા સંકલનમાંથી સાભાર)

23 replies on “ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ!…..”

  1. નમસ્તે મિત્રો,

    માફ કરશો, આ પહેલી નોંધ છે… આ ગીત એટલુ ઉંડુ છે.. જેટ્લી વાર સાંભળીયે એટ્લી વાર નવા નવા અર્થ નીકળે છે.. કોઇ મહેરબાની કરી ને સાચો અર્થ સમજાવશો ?

    તારે ને મારે ઠીક છે ઘાયલ… એવુ વાચ્યુ હતુ કે આ પંક્તી જીવ અને શીવ ના મીલન નો ઉદગાર છે… ચાંદો ઉગ્યો ચોક મા ઘાયલ… અરણ્યુ ( હરણ્યુ નહી) આથમી હાલાર શહેર મા…

    મારા ખ્યાલ પ્રમાણે તો દરેક ગુજરાતી… કાઠીયાવાડી ગીત પાછળ કોઇ ને કોઇ ઉંડો મતલબ છે.. જેમ કે.. ગોકુળ ની ગોવાળડી… અને તારી મોરલડી યે… આ સાહીત્ય કોઇ નેકોઇ એ તો સાચવવુ પડશે… ટહુકો.કોમ ને લાખ લાખ ધન્યવાદ કે આ દીવો દીપાવતો રાખ્યો છે.. ખુબ ખુબ આભાર…

  2. હેમુ ગઢવી નાં સ્વર માં સાંભળ્યં હતું. મળે તો મુકજો.

  3. very good song i have heard it long before. but love to hear again and again. thanks.and belated happy b’day to praful daveji.

  4. સરસ મઝા નુ ગીત ચ્હે.જન્મદિન મુબરક પ્રફુલ દવે સાહેબ .

  5. જયશ્રીબેન,
    નાયિકાના ભાવ માટે અલ્કા યાજ્ઞીકે સ્વર આપ્યો છે.

  6. Shri Vijaybhai,

    Say “thank you” to
    Ratibhai Chanderiya
    & his dedication &
    endless efforts due to which “Gujarati Lexicon is possible.
    Now they have combine “Bhagvad gomandle also. So you will be able to have acess to both
    shabda kosh. Hats off to this gentleman!!!
    both sites worth visiting

  7. પ્રફુલ દવેને જન્મદિવસના અભિનંદન
    ખૂબ માણેલુ ફરી ફરી ગમે

  8. જો આ ગીત ગાતી નાયિકા “એની પરણેલી પ્રેમિકા ચેતવણી આપતી બોલતી” હોય તો પછી “એ લે’રીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે,અરજણિયા” તો એ ‘પરણેતર’ કોને કહે છે, અને એમાં પરણતેર કોણ અને પ્રેમિકા કોણ?

    લોકગીત એટલે ઘણા ઘણા વર્ષો પહેલાના જમાના જુના ગીતો. ‘એ લે’રીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યો રે’,એ જમાનામાં પણ આવા છાના છપના પ્રેમ સંબંધો ચાલતા હશેને?

    પ્રફુલ દવેને જન્મદિન મુબારક. ગીત બહુ મજાનું છે અને ગાયકી પણ સરસ છે અને નવરાત્રિ પ્રસંગે ગરબામાં ધૂમ મચાવે તેવું છે..

  9. “ગાયું તારી ગોંદરે, ઘાયલ ! ગાયું તારી ગોંદરે,
    એ લે’રીડા! વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા !”

    “વઢિયાર” મારા વતનની યાદ આવી ગઇ..

  10. Shri Vijay bhatt,
    ઘાયલ શબ્દના ઘણા અરથ
    GUJARATILEXICON
    DICTIONERY – આપેલા છે.
    એક અર્થ છે – “એક કણબી ની
    અટક “. મારા મતે એજ અર્થ
    અહી લાગુ પડે છે.તમારા પ્રતિભાવની
    રાહ જોઇશ.

  11. આ લોકગીત છે? “ઘાયલ” શબ્દ સામાન્ય રીતે લોકગીતોમા જોવા મળતો નથી.
    કે પછી “ગાયલ” છે? અને અપભરન્શ્ થઇ ને “ઘાયલ” થયુ?

    આ ગીત જો ગોવલિયા નુ હોય તો તો ચોક્ક્સ્. ગાય શબ્દનુ કોઇક રીતે અપભરન્શ્ થયુ છે…

    Any comments from experts??!!

  12. Really NICE work. Jayshree. Specially when you explain a old/original words in present world that requires a lots of work. Nice work. Keep it up.

  13. પ્રફુલભાઈને જન્મદિવસની શુભકામનાઓ.
    આજે પૂનમને દિવસે આ ગીત સાંભળવાની મજા આવી ગઈ.
    આપને પણ અભિનંદન.
    ઉલ્લાસ ઓઝા

  14. લોક બોલીંમાં કોઈ આઈ
    લવ યૂ કહીને પોતાની
    લાગણી વ્યક્ત નથી કરતુ. અહી
    ફકત એટલુ જ પૂરતુ છે કેઃ
    તારે મારે ઠીક છે ઘાયલ……

    સરસ લોકગીત.

  15. આજે હનુમાન જયંતિ પણ છે તથા મોરારીબાપુ દ્વારા અસ્મિતાપર્વમા લતા મંગેશકરને હનુમંતપદ્મ એનાયત કરવામા આવનાર છે. આજે પ્રસંગત્રયી છે.

  16. જયશ્રીબેન,
    ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ!.By અમિત, on March 30th, 2010 in ગીત , ટહુકો , પ્રફુલ દવે , લોકગીત. અભિનંદન. ગામઠી ભાષાનું સુંદર લોકગીત મુકવા માટે. સાથે સાથે ગામઠી શબ્દોનો અર્થ આપી ગીત સમજવા પણ આપે સુંદર કામ કર્યું છે. યોગાનું યોગ આજે સાથે પૂનમ પણ છે. તેથી સાંભળવાની પણ મજા આવી

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *