આજે ફાગણ સુદ પડવો..! રંગીલા ફાગણ મહિનાનો પહેલો દિવસ.. અને ફાગણનું એક ગીત જે તમારા માટે લાવવાની હતી, એના શબ્દો કદાચ તૈયાર મળી જાય એ આશાએ એની પ્રથમ પંક્તિ google કરવામાં જય વસાવડા લિખિત આ સ્પ્રેક્ટ્રોમીટરમાં પ્રકાશિત લેખ મળી ગયો. જાણે એક મોતી શોધવા ડુબકી મારો અને આખો ખજાનો મળે..! અને ‘ગમતું’ મળે તો ગુંજે ભરાય? એટલે હું એ આ આખો લેખ જ તમારા માટે લઇ આવી.. ગુજરાતી કવિતાના રસિયાઓ માટે આ લેખમાં પ્રસ્તુત ફાગણની કવિતાઓ ખજાનો પુરવાર થશે એની મને ખાત્રી છે..!
ફાગણ ફેન્ટેસી : રંગી સારી ગુલાબી ચુનરિયા રે, મોહે મારે નજરિયા સાંવરિયા રે…!
‘ગુજરાત સમાચાર (સ્પ્રેક્ટ્રોમીટર) માં પ્રકાશિત – ૧૬ માર્ચ, ૨૦૦૩
* * * * *
હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ
અહીં’યે છંટાય વળી તહીં’યે છંટાય
હૈયે છંટાય લાલલાલ, આંખમાંથી ઉડે ગુલાલ!
* * *
બહેકે જૂઇ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ
* * *
ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!
એના રંગે રંગાઇ ગયો તડકો રે હો!
વનની વચ્ચોવચ સોહે પલાશ
ધરતીની આજે પુરાઇ છે આશ!
આજ ઉઘડયો શો અગ્નિ-ઉમળકો રે હો
ધરા હૈયેથી ઉઠયો શું ભડકો રે હો!
* * *
ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ
કેસૂડાંને ફૂલડે કે મનડો ડૂલ્યો રે, ફાગણ ફૂલ્યો રે!
તારો મારગ ઢૂંઢતા કે મારો ભુલ્યો રે…
વન વન મહેંકે મ્હેંકતો કે જીયરો ખુલ્યો રે
જોબનને ઝરૂખડે કે આતમ ઝૂલ્યો રે….
* * *
હતાશ બેઠી હોળિકા ખોળે લઇ પ્રહલાદ
પોતે ભસ્મ થઇ, મળ્યો શિશુને પ્રભુ-પ્રસાદ
‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’
હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી
થતા પુલકિત અંગ સારાં, ચોંકી ઉઠે રક્ત ધારા
ધસે ફુંફવતી સફાળી જયમ મત્ત કો માગણી
આજ આવી ફાગણી!
પુષ્પભર પેલી નમેલી, ચારૂ ચમકે જો ચમેલી
ચંદ્ર ચળકે, સિંઘુ સળકે! તારલા મૃદુ મીઠું મલકે
રે! અકેલી તું જ શું આજે ઉદાસ અભાગણી?
ધીરી હલકે ધરા હીંચે વિશ્વખાટ સુહાગણી
આજ આવી ફાગણી!
* * *
છૂટે હાથે ફુલ વેરતી આવી,
હૈયે હૈયે રસ પ્રેરતી આવી
માનવઉર મ્હેંકાવતી આવી,
પ્રીતના ગીત લ્હેકાવતી આવી
વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી
ક્ષિતિજ કૂદતી, પૃથ્વી ખુંદતી, મદીલી ડોલતી, રસ હિલોળતી
દ્વેષના ક્લેશના ઇંધણ બાટતી, રંગ-ઉમંગ ગુલાલ ઉછાળતી
રંગભરી પિચકારીએ સૃષ્ટિના વનો બધા છંટકાવતી આવી
માનવના સૂતા હૃદય મંડળે કોકિલફુલ ટહુકાવતી આવી
અમી છલકતી છાતડી લાવી, ફાગણી આવી!
*****
ઉઉહમ્ફ! આવી કાવ્ય પંકિતઓ પર નજર નાખીને હાંફ ચડી ગઇ? આપણી ભાષાના જ નહિં, કોઇપણ ભાષાના ઉત્તમ કવિશ્રેષ્ઠ ગણાય એવા ઉમાશંકર જોશીની કેટલીક કૃતિઓની સિલેકટેડ પંકિતઓની આ ‘મેલડી’ છે. રિમિકસ કલ્ચરના બંદાઓને મેલડી શું એ સમજાવવું નહિં પડે. કોણ જાણે કેમ, ગુજરાતીમાં લખાયેલી કવિતાઓ પ્રત્યે ઘણાં ધાવણા વાચકોને એક બચકાની ચીડ હોય છે. આ જ બધા પાછા દર દસ મિનિટે ‘આઇ લવ ઇન્ડિયા’ અને ‘ગુજરાતના ગૌરવ’ના ગગનભેદી પોકારો કરતાં ફરે છે! ગુજરાતીના ડિયર બેબી રિડર્સ, જે દેશ અને રાજયની ભાષામાં લખાયેલું સાહિત્ય વાંચવા અને પચાવતા ન આવડતું હોય ત્યાં એ દેશ ટકવાના કે એ ટકાવવામાં આપના ફાળાના ખ્વાબ પણ જોવા એ કયામત હી કયામત હૈ! જો ફિલ્મગીતો ગમે, તો કવિતા પણ ગમે જ! જરૂર રસરૂચિ કેળવવાની છે. કવિતા એટલે ભાષાની ડાળીએ ખીલેલા શબ્દપુષ્પોની સુગંધનું મોજું! એમાં તરબોળ થવાની શરૂઆત અત્યાર સુધી ન કરી હોય તો એ હોળીએ જ કરીએ. ફાગ કે ફાગુ કાવ્યોની ગુજરાતમાં સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી પરંપરા છે. પરંપરા પૂર્વે ભૂલાઇ ગયેલા કવિ રત્નાએ લખેલું :-
ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ
હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ
અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ
વસંત વધાવવાને હું જતી, કુમકુમ ભરીને કચોળ
કેસરી સાળુ રે પ્હેરવા, મુખ ભરી તંબોળ
અબીલ-ગુલાલ ઉડે ઘણાં, વાગે તાલ મૃદંગ
કોકિલ શબ્દ સોહામણા, કંપે અબળાનું અંગ!
કોન્વેન્ટ જનરેશનના રીડર-‘રીડરાણી’ઓ માટે કેટલીક ટિપ્સ. તંબોળ એટલે પાન. કેસૂ કે કિંશૂક એટલે કેસૂડાંના ફૂલ. હવે કેસૂડો એટલે શું એવું પૂછવા કરતાં તો કેસૂડાના રંગમાં સાઇનાઇડ ઘોળીને આપી દેજો! પલાશ એટલે ખાખરો ઉર્ફે કેસૂડાંનું ઝાડ. વઘુ વિગત માટે જો ચડે જોશ, તો પ્લીઝ રિફર ભગ્વદ્ગોમંડલ કોશ!
જે તરવરાટ અને થનગનાટ મેટ્રોસિટીઝમાં વીક-એન્ડમાં ગ્રાન્ડ પાર્ટીઝમાં હોય છે, એ અનુભૂતિ એક જમાનામાં કેવળ ફાગણમાં થતી. સ્ત્રી-પુરૂષ, બાળક-વડીલ, દોસ્ત-દુશ્મન બધા ભેદ ભૂલીને તમામ સંબંધોની લાજશરમ મૂકીને ઘુળેટી પર બસ સાથે નાચવાનું, ઝૂમવાનું, એકબીજાને રંગવાના… એકબીજાની કાયાઓ મસ્તીમાં રગદોળવાની… ભીંજાવાનું અને ભીંજવવાના… ચીતરવાનું અને ચીતરવાના… ન કોઈ રોકે, ન કોઈ ટોકે… બસ રહેમાન સ્ટાઈલમાં ગાતા જવાનું : મુઝે રંગ દે, મુઝે રંગ દે, રંગ દે, રંગ દે હાં રંગ દે….
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
આ મેલોડિયસ મેલડી કવિ બાલમુકુંદ દવેની છે… અડધી સદી અગાઉ રચાયેલી! કાન-ગોપીના સિમ્બોલ વડે હોળી-ઘુળેટી ખરેખર બંધિયાર ભારતીય સમાજમાં નર-નારીના ફ્લર્ટંિગ માટે ઉઘાડું ફટાક મુકાઈ જતું ફાટક હતું. અંગઉલાળા ને આંખઈશારાથી દેહ પર રંગ અને મનમાં કામતરંગ ઉડી જતા ઠંડીનો પડદો ઉઘડતો… અને તખ્તા પર મિલન સમાગમના અશ્વો હણહણાટી બોલાવી હોળીની અગનમાં જલતા! બાલમુકુંદ દવેના જ શબ્દોમાં કોઈ ઘેરૈયો અને રંગનાર છોગાળો યુવક, કોઈ રૂપ ઢોળાય એમ નજરમાં રંગો પૂરાય એવી ગોરીને કહેતોઃ
‘દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’
ઘૂળેટીની ટિખળી મસ્તીમાં ગોરી પણ રોકડુ પરખાવતી:
‘નીરમાં સરી જાય ઘડૂલો,
એવો નથી મારો દિલદડૂલો,
ઘેરૈયા ખાલી વેણથી ખીજી,
બંધબારણે રે’ય એ બીજી!’
ઘેરૈયો કહેતો:
‘વાયરા વનના જાય ન બાંઘ્યા,
એવા અમારા મન હે રાધા!
કોકના દિલમાં વસવા ખાનગી,
માગતા અમે નથી પરવાનગી!’
અને સામેથી મળતો ૨૧મી સદીનો લટકાળો જવાબ:
‘આપમેળે રંગ રેલાઈ જાય તો,
અમે નથી એને લુછીએ એવા
તરસ્યા કંઠની પ્યાસ છીપાય તો,
અમે નથી ઘર પૂછીએ એવા!’
ઘૂળેટીને જો ધારો તો એક ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ બનાવી શકાય તેમ છે. વેસ્ટર્ન કલ્ચરના વિરોધ કરતાં આ વઘુ પોઝિટિવ પડકાર છે. શું નથી આ તહેવારમાં? ઉલ્લાસ છે, સમાનતા છે, મસ્તી છે, નશો છે. સંગીત છે, કુદરત છે, ડાન્સ છે, જોશ છે, પ્રકાશ છે અને કોઈપણ ઉત્સવના બ્રાન્ડ પોઝિશનિંગ માટે અનિવાર્ય એવા છોકરા અને છોકરી છે! વસંતની મંજરી આંબે જ થોડી આવે છે, જીવનમાં પણ ટીનએજમાં ઝણઝણાટીના મ્હોર બેસે છે! પ્રિયકાંત મણિયારે લખેલું :
છેલછબીલે છાંટી છેલછબીલે છાંટી
જમુના જલમાં રંગ ગુલાબી વાટી….
અણજાણ એકલી વહી રહી હું મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઈ હું જ રહેલી કોરી
શ્રાવણના સોનેરી વાદળ વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી એ જ ભૂલ થૈ ભાસે
તરબોળ ભીંજાણી થથરી રહું, હું કેમ કરીને છટકું
માધવને ત્યાં મનવી લેવા, કરીને લોચન-લટકું
જવા કરૂં ત્યાં એની નજરથી અંતર પડતી આંટી
છેલછબીલે છાંટી!
અને ગુજરાતીનાં મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ કે જેમને ખાખરામાં શીમળો જોગી દેખાય છે અને ફાગણની હવામાં ઉડતા સૂકા પાંદડામાં ઝાંઝરના સ્વર સંભળાય છે. (આવી કલ્પનાઓને લીધે જ વગર પિચકારીએ કાવ્યો લખેલા ફકરાઓ કરતા વઘુ રંગીન બનતા હોય છે)… એમણે આ જ અનુભૂતિની પૂર્તિ કંઈક આમ કરી છે- અગેઈન ઈન મેલડી મિક્સઃ
ફરી ફરી ફાગુન આયો રી
મંજરીની ગંધ, પેલા કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
હોજી માટો જીવ લુભાયો રી!
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી, કોણ છેલ?
ગાનમાં ઘેલા, રંગમાં રોળિયા, રમતા રે અલબેલ!
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ
હો બાજે ઢોલક ડફ બાંસુરિયા, વસંતરો રત ગાવૈરી
હો કોઈ કિસીકી સુન નહિ પાવૈ, અપની ઘૂન મચાવૈરી
હો રંગરંગમેં હિલમિલ રૂમઝૂટ ખેલત ભયે નિહાલ!
આવું વાંચતાવેંત સીધા જૂની પેઢીને ગમતા શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પહોંચી ગયા છો? આમ તો આપણા જૂનવાણી માનસને ગુલાબી કરતા ભગવો રંગ વઘુ ગમે છે! તો હોળીની ઝાળોમાં પ્રગટતા ઉનાળાના ચેનચાળાને ઝડપવા કેસૂડાંની કલગીવાળો કેસરિયાળો સાફો પહેરીને, જૂની પેઢીના શબ્દસ્વામી વેણીભાઈ પુરોહિતના શબ્દોનો રંગ આંખોમાં આંજી લો.
સખી, કેસરિયો રંગ
રંગ છાંટે છે છેલડો રે…
નેણ નીતરતો રંગ, અંગ ભીંજે અલબેલડો રે
ચગે સાંવરિયો મોર, ઔર નાચે છે તાનમાં રે…
સખી ફાગણ બેફામ, જામ પીધા છે સાનમાં રે…
ફાગણી રંગોત્સવની લિજ્જત એ છે કે એમાં ગાલમાં ખીલેલા ગુલાબોને માત્ર દૂરથી સૂંઘવાના નથી… એના સ્પર્શનું સુખ પણ મળે છે! અંગે અંગ હોળી રમવાના જંગમાં ભીંસાય, કોઈ ઓઢણી સરે ને કોઈ ઝભ્ભો ચિરાય… કોઈ ગુલાબી આંખોના જવાબી સરનામાવાળી પાંખો ફૂટી શકે છે. સ્વ. અમૃત ઘાયલે લલકારેલું :
એક ‘રસનું ઘોયું’ એમ મને ‘ટચ’ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ‘ખચ’ કરી ગયું!
એ સૂર્યને ય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!
સંતને પણ સતત મસ્ત બનાવે એવી વસંતમાં ગોવિંદસ્વામીએ ઘાયલની શરારતથી સાવ ઉલટી જ કેફિયત આપેલીઃ
કાજળકાળા આભમહીંથી તારલા વાટે તેજ ચૂએ છે
સૌરભની પિચકારી ભરી ફૂલડા રંગે હોળી રમે છે!
મદભર્યા મુજ જોબનગીતો ઝીલવા આજે કોઈ નથી રે
ફાગણના મઘુ-ફૂલ-હિંચોળે ઝૂલવા સાથે કોઈ નથી રે!
વેલ, વેલ. તમે હોળી રમવા માટે રંગેચંગે સજજ હો, પણ તમારી સામે કે સાથે કોઈ રમવાવાળુ ન હોય તો? વેરી સેડ, રિયલી બેડ! પછી સુંદરમની જેમ ગાઈને માંગણી કરશો?
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ
વનની વાટે રે વહાલા એક ફૂલ દીઠું લોલ
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ.
રૂપલિયા વાટ મારી, રૂપલિયા આશ લોલ
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ
કેસૂડો કામણગારો જી. લોલ.
કે પછી ‘હોલિયા મેં ઉડે રે ગુલાલ’ જેવા ધીંગા ઉન્માદ અને જોરૂકા ઉત્સાહથી ભેરૂબંધો કે બહેનપણીઓની ટોળી જમાવી, બચ્ચા કચ્ચાની ફોજ લઈને પહેલા તો જીવનની થપાટો ખાઈને શુષ્ક થઈ ગયેલા ધોળા વાળોને રંગી નાખશો? એ શ્વેતકેશમાં ઉઠેલા રંગોના ચાંદરડાઓ વિખૂટા રહેતા વડીલોમાં પણ ઉંડે ઉંડે રંગોળી ચીતરશે, અને એમનામાં ગૌરવના ગુલમહોર ફૂટશે કે ‘મને રંગવાવાળુ પણ કોઈક છે, હજુ હું સાવ સૂકાઈ ગયેલું ઠુંઠુ નથી! પછી ગોકીરોદેકારો હલ્લાગુલ્લાના ‘રંગગુલ્લા’ ખાતા-ખવડાવતા જો ફાગણની ફોરમ લાગી જાય… ભીંજાતા ભીંજાતા કોઈ હીરોને આ વસંત પૂરતી હિરોઈન કે કોઈ નાયિકાને હોળીની જવાળાઓમાં તપાવતો નાયક મળી જાય.. તો જાણે લીલાલાલ વાદળી કાળા રંગ ઉપર પડે એક પીળો તેજલિસોટો! રંગ સાચો, સંગ સાચો, બાકીનો સંસારે થાય ખોટો! જો સતરંગી સપનાના સંગાથમાં બે અલગ કાયાના રંગો એક બીજામાં ભળીને એક નવો માયાનો રંગ રચે, તો હિતેન આનંદપરાનું ગીત ટહૂકે..
આવ, તને હુ રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે
કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી
ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !
ફિનીશ! ફેન્ટેસી ઓવર… ફાગણની કેટકેટલીયે કલ્પનાઓને અઘૂરાં પણ મઘૂરાં સપનાઓની સલામ. એન્ટર ટુ રિયાલિટી! આમ તો વયોવૃઘ્ધ બાળસાહિત્યકાર રમણલાલ સોનીએ એક કવિતામાં દિવાળી સાથે હોળીને સરખાવીને હોળીને સામાન્ય માણસનો યાને ધાણી દાળિયાની ફાંકા મસ્તી પર જીવીને ફાટેલા કપડે શેરીઓમાં રંગારંગ ધમાલ કરવાનો સમાજવાદી તહેવાર ગણાવેલો. ફાગણમાં તડકો છે. ગરમી છે. મોૅઘવારી છે. મજદૂરી છે, પાણીની તંગી છે. આખા પર્વનો ‘મુડ’ કોળિયો કરી જતી કાળમુખી પરીક્ષાઓ છે. અને આમ તો ફાગણવાળું ભારતીય કેલેન્ડર પણ કોને યાદ છે?
સૌથી વઘુ દુઃખ તો એ વાતનું છે કે ફાગણની ફેન્ટસી વિહાર કરાવતા આવા આપણી જ ભાષાના, આપણા જ કવિઓના ગીતોમાં, એના ઉત્સવમાં, એની છોળોમાં રંગાવાનો કોઈને રસ નથી! ન સરકારને ન પ્રજાને! પણ વાસ્તવિકતા ભૂલવા ટી.વી. ચાલુ કરો તો એક ચેનલ પર અંગ્રેજી ગીત સંભળાશે. ‘કલર મી રેડ!’ અને બીજી પર પંજાબી પોપગીત ‘તેરી આંખ કા ઈશારા… રંગ રા રી રિ રા રા !’
ચિયર્સ ટુ કલર્સ!
ફાસ્ટ ફોરવર્ડ
મોરે કાન્હા જો આયે પલટ કે
અબ કે હોરી મૈં ખેલૂંગી ડટ કે
ઉન કે પીછે મૈં ચૂપકે સે જા કે
યે ગુલાલ અપને તન પે લગાકે
રંગ દૂગી ઉન્હે મૈં લિપટ કે..
કી જો ઉન્હોંને અગર જોરાજોરી
છીની પિચકારી બૈંયા મરોડી
ગાલિયાં મૈને રખ્ખી હે રટ કે
અબ કે હોરી મૈં ખેલુંગી ડટ કે.
(શ્યામ બેનગલની ફિલ્મ સરદારી બેગમ’ની ઠુમરી)
– જય વસાવડા
Tha no you very much, for reminding those days when we could play Holi !
ગુજરાતી કવિતા – ખાસ તો કાગણ ની મસ્તી નો રસાસ્વાદ કરાવતા મથતા, ગુજરાતીઓ ને ધમકાવતા, ભાઈ વસાવડા ઈન્ગલીશ મય ગુજરાતી મા લખવા ને બદલે શુદ્ધ ગુજરાતી ભાષા મા લખી શકતા નહી હોય ?
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ
વનની વાટે રે વહાલા એક ફૂલ દીઠું લોલ
એકલ કો ડાળ, એક એકલડું મીઠું લોલ.
રૂપલિયા વાટ મારી, રૂપલિયા આશ લોલ
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાશ લોલ
કેસૂડો કામણગારો જી. લોલ.
સુન્દરમ્ ના આ ગીતનો “ગીત સન્નિધિ ” સીડી માઁ સમાવેશ થયો છે. શક્ય હોય ત સઁભળાવશો.
વાહ ભઈ વાહ્ , મઝા આવેી ગઈ.
હોલિ નેી શુભકામનાઓ. અત્યન્ત આનન્દ કરાવ દીધો .ૃ
Ramnik Pithadia
[…] ફાગણસુદ પડવોના દિવસે મુકેલો જય વસાવડા લિખિત લેખમાં આ ગીતના શબ્દો તો હતા.. પણ આ બંને […]
ખૂબ જ સુન્દર.
જયશ્રીબેન, તમે તો કમાલ કરી નાંખી. ફાગણ અને હોળીનાં આટલાં બધાં કેસર ગીતો.
અમે તો કેસરીય થઈ ગયા.
ફાગણ ફોરમતો આયો
એનાં રંગે મલક રંગાયો
ખૂબ જ સુંદર
ફાગણનાં વધામણા આપવા બદલ આભાર.
Jayashree ben ,
You are really great I do not have words to express my feelings thank you very much for bringing Mr. Jay vasavda here.
સવાર સવાર મા યુવાની યાદ કરાવી દીધી. આખૉ મા ફાગણ નૉ કેફ અને રન્ગે કેસૂડો લાલ, સાવરીયા રમવાનૅ ચાલ્!
ખૂબ જ સુન્દર !
સરસ જયશ્રીબેન,
ઘણી મહેનત કરી અમારા સુધી ઘણુ ઘણુ પહોંચાડવા બદલ
ખુબ ખુબ આભાર..
thanks for very good songs you gave on this site.’DIL DADULO SAMALAJE GORI FAGAN VAYU KAMALCHHE GORI’ AA GEET GHANA VERSHO PELA REDIO PAR SAMBHALELOO YAAD AAVI GAYU.AA GEET NE SAMBHALAVA MALE KE?BAHU SUNDAR GEET CHHE.THANKS ONCE AGAIN.
તમને તૉ જાણૅ છીડૂ
શૉધતા લાધી પૉળ!
પણ તમે અમને પણ ઘસડી ગયા!!
ખૂબ સરસ. વાંચીનૅ તરબતર
થઈ ગયા.
અરે હજુ તો આજ ની તારિખ નુ પત્તુ પણ નથી ફાડિયુ ને….આટલો મોટો ખજાનો!!!બહુ સરસ..આભાર
Listen :
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! -વેણીભાઈ પુરોહિત
અભ્યાસુ બેન જયશ્રીબેન,
આપે આજે તો કમાલ કરી છે. ફાગણ ફેન્ટેસી – જય વસાવડા
By Jayshree, on February 15th, 2010 in Hindi (हिन्दी) , અમૃત ‘ઘાયલ’ , ઉમાશંકર જોષી , કવિ રત્ના , ગીત , જય વસાવડા , ટહુકો , પ્રિયકાંત મણિયાર , બાલમુકુન્દ દવે , રાજેન્દ્ર શાહ , વસંતકાવ્ય , વેણીભાઇ પુરોહિત , સુન્દરમ , હિતેન આનંદપરા વિગેરે હોળી માટે લખનારા , ગાનારા, વાજીત્રો વગાડનારા સર્વની પડવાના દિવસે યાદ કરી મારી જેવા ટહુકોના ચાહકોની નિંદર ઉડાડી હોળી માટે તૈયાર થઈ જવા યોગ્ય સમયે ચીમટો ભર્યો છે. યોગાનુયોગ આ વખતે તો પડવાની પૂર્વ સંઘ્યા ને મઘ્ય રાત્રિના જગતભરના લોકો વેલેન્ટાઈન દિવસ મનાવી રહ્યા હતા. દુનિયાના લોકો આ દિવસે પ્રેમીને ફુલ આપી પોતે તો કોરાને સુકા રહે ને કદાચ થોડા લોકો દારૂની ભીનાશ પોતાના શરીરમાં ઢીંચે ને બેહોંશ થાય તેના કરતાં આ ભારતિય સંસ્ક્રુતિની હોળીની મઝા, તેનો મહિમા, તેમાં રહેલી ભાવના, ગરીબ તવંગર સૌ ને પરવડે તેવા ગુલાલના રંગો ને કેશુડાના રંગની પીચકારી થી રમવાનો આનંદ માણી જોવા લલકાર કર્યો છે તે આવાહન ખૂબ યોગ્ય સમયે કર્યું છે. આશા છે ટહુકોના ચાહકો હવે પછી સુક ભીનાશ વગરના વેલેન્ટાઈન દિવસ નહિ મનાવે.
હા જયશ્રીબેન બાળકોને ગમતુ “હોળીનો પૈસો આલો સવાઈલાલ” ગીત આપ જરૂર થી મુકશો. લેખ માટે ગીતો માટે ખૂબ ખૂબ અભિનંદન.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
વહ બહુ જ સરસ. હોલિ નઇ યાદ અવિ. મજા અવિ. thanks jashree ben
જયશ્રીબેન, તમે તો કમાલ કરી નાંખી. ફાગણ અને હોળીનાં આટલાં બધાં ગીતો અને તે પણ વૈવધ્યથી ભરપુર્! ગુજરાતી ભાષા વૈભવ ભરી છે તે તો ખબર હતી પણ તમે તો જાણે મીઠા સફેદ શ્રીખંડમાં મુઠ્ઠી ભરીને કેસર નાંખીને મઘમઘાવી દીધું. વસંત, ફાગણ અને હોળીગીત માટેના તમારા ‘Search and reaserch’ શોધખોળ અને ખાંખાખોળાએ દિલ ડોલાવી દીધુ.
બહુ આનંદ આવી ગયો.
અદભુત!!!
ફાગણના વધામણા વાચીને ભારતમા ખેલેલી ધુળેટીમા મન રંગાઈ ગયુ..
પલાશના ફૂલોના વૈભવ સાથે
આપણી ભાષાના શબ્દોનો વૈભવ…!!
કવિઓની કાવ્ય પીચકારીઓમાંથી ભાત ભાતના રંગોરુપી
કાવ્યોની બોછાર કરી .. અંતરમનને ભીંજવી દીધા..!!
” રંગ ઘેર આનંદ ભયો….”
…તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે…..
બંને જય (જયશ્રી અને જય વસાવડા) નો જય હો! વસંતનાં વધામણાં!!
આજે વસંત ઋતુનો પહેલો દિવસ છે. આપ સહુને તેની ખૂબ ખૂબ શુભેચ્છા.
very nice
આજે તો કંઈ મહાનિબંધ લખી નાંખ્યો ને કંઈ!
જયષ્યિ,
ફાગનો ફાગ અને અનેક મધુરા ફાગણના ગીતોની એકસાથે અહી મુક્યા અને ભુતકાળમાં જે ફાગણના મસ્તીભય્રા દિવસો ભાભીઓ સાથે રમ્યા તેની યાદો આવી ગઈ એ જમાનામા હાલના જેવા મધ્યમો ન હતા. તેમા નિર્દોષથી ધુણેતી અને હોળીની મઝા માણતા તે દિવસો હવે ક્યા
જય વસાવડાનો આભાર આ લેખને હમારા સુધી લઇ આવવા માટે તારો પણ.
વલ્લભ ભક્ત .
રંગોની સાથે સાથે સ્વરોની પણ હૉળી માણી. જયના કાવ્યોની છાલકોથી હ્રદયમાં આનંદ છલકાઈ ગયો. સહુને રંગીલા ફાગણના વધામણા.
The Thumri from Sardari Begum is superb.What wordings.Yeh gulal apne tan pe lagake,rang dungi unhe mein lipat ke andIf he snatches my pichkari then galiyan meine rakhi hai ratt ke.Afrin.
Heard this for the first time.Thanks to you Jayshreeben.
એક જ શબ્દ છે. અદભુત્!
શૈશવ દેસાઈ
અબીલ ગુલાલ રંગ મદ સર્વથી ફાટફાટ ફાગણી પોસ્ટ. જય હો જયજી…જય હો જયશ્રી!