સાચને પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી;
સંકટો, દુ:ખો, પધારો સ્વાગતમ!
લેશ પણ આ માર્ગથી ચસવું નથી.
જૂઠની જીતે ચણેલા માંડવે
પ્રાણ મારા લાલચે રમવું નથી;
જાલિમો ને ધૂર્તના પાયે પડી
કોઈ દી કોઈ મિષે નમવું નથી.
મર્દની મોકાણમાં જાવું ભલે
કાયરોની જાનમાં ચડવું નથી,
મોતની મુસકાન મીઠી માણશું
જિંદગીમાં જીવવા રડવું નથી.
પ્રાણ મારા, એકલા આગે બઢો;
આજ બોલો, “ના, હવે ડરવું નથી’.
જંપ ક્યાં છે? ચેન ક્યાં છે? દંભનાં
દંગલો તોડ્યા વિના ઠરવું નથી ;
સાચને પડખે પરાજય હો ભલે
તે છતાં પાછું હવે ફરવું નથી.
– મકરંદ દવે
મકરંદ દવેની આ કવિતા હાલના સંજોગોમાં એક સધિયારો અને પડકાર આપી જાય છે.સામાજિક અને રાજકીય રીતે અતિ ભ્રષ્ટ એવા વાતાવરણમાંથી આજકાલ આપણે પસાર થઈ રહ્યા છીએ.મૂલ્યોનો હ્રાસ થઈ ગયો છે.બકરું ખભે નાખીને લઇ જતા પેલા બ્રાહ્મણને ત્રણ ઠગોએ વારાફરતી મળીને બકરાને કૂતરું ઠેરવીને પડાવી લીધું એના જેવો ઘાટ છે.ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે. સત્યને દેશવટો મળ્યો છે અને અસત્યની બોલબાલા છે.એવા જમાનામાં કવિ પોતાનો નિર્ધાર જાહેર કરે છે કે હું તો સત્યના માર્ગે અડગ રહીશ.જૂઠા જાલિમોની પંગતમાં નહિ બેસી જાઉં.મને ભલે દુઃખો વેઠવાં પડે પણ એમની આગળ શિર નહિ નમાવું.એમના શિરપાવ મારે જોઈતા નથી.એમની પાપી મજલિસના ભાગરૂપ બનવું નથી.ભલે કોઈ મારી સાથે ન આવે પણ હું એકલો સત્યના માર્ગે પળીશ.દુઃખો-સંકટોનો સહર્ષ સ્વીકાર કરીશ પરંતુ દંભને તાબે નહિ થાઉં.મારે તો એ દંભનો પડદો ચીરવો છે.સત્યમેવ જયતે તો છેલ્લે થશે અને મારી હયાતીમાં ન પણ થાય.મારે તો પરાજય પણ વેઠવાનો વારો આવે.છતાં હું પારોઠનાં પગલાં નહિ ભરું.હવે તો આ પાર કે પેલી પાર.
સાંઈ કવિના મક્કમ નિર્ધારમાં કવિ રવીન્દ્રનાથ ટાગોરનો રણકો સંભળાય છે: તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાનેરે.
શ્રી મકરંદ દવેની એક ખુબજ સરસકવિતા. આભાર admin
નિર્ધાર કર્યો છે સર…
તોય લાગે છે વાર…
ખોટે ખોટા વિચારો નો..
પણ હવે લાગે છે ભાર…
Narendrasoni
સરસ