પ્રીત્યું તો શ્રાવણની સાંજ – વજુભાઈ ટાંક

આજે કવિશ્રી વજુભાઈ ટાંકનાં જન્મદિવસે એમને ઝરમરતી શ્રાવણની મેઘાંજલિ…!

સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હંસા દવે

.

પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વૈશાખી રાત.
પ્રીત્યું તો રામકલી રાગ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વે’વારી વાત.

નયણાં તો ઘૂઘવતું ગીત, મોરી સૈયર, નયણાં નંઈ મરજાદી વેણ.
નયણાં તો સાગરનો છાક, મોરી સૈયર, નયણાં નંઈ વીરડીનું વહેણ.

સમણાં તો સોનેરી આભ, મોરી સૈયર, સમણાં નંઈ રુદિયાની રાખ.
સમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, સમણાં નંઈ નીતરતી આંખ.

જોબન તો સુખડનાં શીત, મોરી સૈયર, જોબન નંઈ બાવળની શૂળ.
જોબન તો ડોલરની ગંધ, મોરી સૈયર, જોબન નંઈ આવળનું ફૂલ.

પરણ્યો તો પાંથીનો રંગ, મોરી સૈયર, પરણ્યો નંઈ આછકલી યાદ.
પરણ્યો તો કંકણનો સૂર, મોરી સૈયર, પરણ્યો નંઈ સોરાતો સાદ.

– વજુભાઈ ટાંક (૧૮/૦૮/૧૯૧૫ : ૩૦/૧૨/૧૯૮૦)

2 replies on “પ્રીત્યું તો શ્રાવણની સાંજ – વજુભાઈ ટાંક”

  1. પરણ્યો તો પાંથીનો રંગ, મોરી સૈયર, પરણ્યો નંઈ આછકલી યાદ.
    પરણ્યો તો કંકણનો સૂર, મોરી સૈયર, પરણ્યો નંઈ સોરાતો સાદ.

    વજુભાઇની વધુ રચનાઓતો જાણમા નથી.. પણ આ રચનાથી તે એક સમર્થ કવિ છે તેની જાણ થાય છે..બહુજ સુંદર પંક્તિ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *