વસંત – જયશ્રી વિનુ મરચંટ

વસંતનું સુંદર અછાન્દસ!
હમણાં જ કવિયત્રી જયશ્રી વિનુ મરચંટે એમના અવાજમાં પઠન કરીને માહિતી સાથે મોકલી આપ્યું.
તમે પણ માણો ….

વસંતનું આ કાવ્ય ૧૯૭૬માં “દૂરદર્શન”ની વસંતની કવિતાની હરિફાઈમાં ત્રીજું ઈનામ પામ્યું હતું. જજ હતા વિદુષી હીરાબેન પાઠક. ઈનામ મળ્યું એનો આનંદ ખરો પણ હીરાબેનના આશિષ લેવાનો મોકો મળ્યો એનો આનંદ અનેરો હતો. હું ત્યારે ૨૭ વર્ષની હતી, મારા જીવનની ત્યારે વસંત હતી.
વસંત!

પઠન:જયશ્રી વિનુ મરચંટ

.

વસંત….
વસંત ફૂલ હોય છે,
ફૂલ છે વસંતના ભીના ચહેરાની કુમાશ..!
વસંત પાળે છે સપના, કોઈ પાંડુની હ્યદય વ્યથામાં..!
વસંત ઉજવે છે ઉત્સવ, યમુનાતટે, મધરાતે, પંચમની સુરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે, છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં….!
વસંત હિમાલયના બરફમાં સંતાકુકડી રમતી ફર્યા કરે છે, ને પછી,,
રમતાં, રમતાં થાકી જાય છે ત્યારે,
ચક્રવાક મિથુનને શોધતી શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી, હસતી, ખેલતી, દડબડતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે, પ્રણયીની આંખોના વનમાં…!
ને, આ વનમાં, અહીંના દ્રુમોમાં, સૂરજ સંગે તડકે છાંયે રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ, વસંત પાછી ચાલી નીકળે છે…!
ને, સૂકાભઠ થયેલા આ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા વાંસના ઘર્ષણથી…!
ને, પછી….બાકી રહે છે
બળતરા, રાખ અને રાખમાં ચિનગારી….!
તો….
વસંતને આવતાં તો આવડે છે પણ..
જતા રહેવાની, પાછા જવાની રીત નથી આવડતી……!

-જયશ્રી વિનુ મરચંટ,કેલિફોર્નિયા

આ કવિતા ૧૯૭૬ માં મુંબઈના તે સમયના “દૂર દર્શન” ના, ગુજરાતી પ્રોગ્રામમાં યોજાયેલી “વસંત” ઋતુની કાવ્ય સ્પર્ધામાં ત્રીજું ઈનામ જીતી હતી. આદરણીય, સાહિત્યકાર હીરાબહેન પાઠક એ સ્પર્ધાના નિર્ણાયક હતાં. સેંકડો એન્ટ્રીમાંથી, સો માંથી સોંસરવી નીકળીને આવેલી આ કવિતા, આજથી ૪૫ વર્ષો પહેલાં, મેં પણ મારી યુવાનીની વસંતમાં લખી હતી. એ આનંદથી પણ બમણો આનંદ હતો આદરણીય મહાન સાહિત્યકાર સ્વ. હીરાબહેનને મળીને, એમની સાથે વાતો કરવાનો અને એમના આશીર્વાદ લેવાનો. આટલા બધા સમય પછી, આ ફેરની વસંતના વાયરા, આ વાત એની સાથે લઈને અચાનક આવ્યા અને જૂના સ્મરણોની વસંત મારા મન પર છવાઈ ગઈ.

4 replies on “વસંત – જયશ્રી વિનુ મરચંટ”

  1. વાહ!શું સુંદર શબ્દો અને રજૂઆત.
    આખાયે માનવ જીવનની ઝાંખી વરતાઈ ગઈ.
    બહુજ સુંદર કાવ્ય.અછાંદસમાં પણ છાંદસનો ભાસ થાય.

  2. વાહ. શું સુંદર શબ્દો અને રજૂઆત,
    આખુંય માનવીનું જીવન વસંત કાવ્યમાં રજૂ થઈ ગયું.
    બહુજ સરસ. અછાંદસમાં પણ છાંદસ લાગે એવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *