(પાંદવિહોણી ડાળ પરે…. …નામેરી, આસામ, નવેમ્બર- ૨૦૧૦)
(Photo by Dr. Vivek Tailor)
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી,
કદાચ મનમા વસી જાય
તો કહેવાય નહી.
ઉદાસ, પાંદવિહોણી બટકણી ડાળ પરે,
દરદનું પંખી ધરે પાય ને ચકરાતું ફરે,
તમારી નજરમાં કોણ કોણ, શું શું તરે ?
આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહી,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહી.
ઉગમણે પંથ હતો, સંગ સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું,
પછી મળ્યું ન મળ્યું કે થયું જવા ટાણું ?
ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહી,
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી.
– મકરન્દ દવે
ખુબ સરસ રચના.મનમાં વિચાર આવ્યો . આ ગીત કેમ ન ગમે,અલમસ્ત ફકીરી નો નશો આંખોમાં આંજ્યો હોય્,દર્દ,પીડા,વ્યાધી ની ઉપેક્શા કરી આખરી સફર ની સોચ સાથે આરમ્ભાયેલ પ્રવાસમાં ખોવાયેલ ખુશીનું ગાણું જડે અને એનુ આ ગીત બની જાય તો ભલા એવું ગીત કેમ ભુલાય?