આ ગીત મારા માટે તો ઘણું જ સ્પેશિયલ છે.. હું અમેરિકા આવી એના થોડા વખત પછી પપ્પા એ અમદાવાદથી એક પાર્સલ મોકલ્યું હતું, એમા બીજી થોડી વસ્તુઓની સાથે એક ધ્યાન ખેંચે એવી વસ્તુ હતી – કૃષ્ણ દવેની ‘વાંસલડી ડોટ કોમ’. ત્યારે તો હજુ ટહુકો શરૂ નો’તો કર્યો.. અને મારો કવિતાઓ પ્રત્યેનો લગાવ બધા માટે (મારા માટે પણ) અજાણ્યો જ હતો. તો પપ્પાએ અચાનક આ કવિતાની ચોપડી કેમ મોકલી? એ તો પપ્પા જ જાણે… પણ હા – ત્યારથી કવિ કૃષ્ણ દવે – અને એમની પહેલી વાંચેલી કવિતા – વાંસલડી ડોટ કોમ – મારા માટે એકદમ ખાસ છે…
અને આજે તો વ્હાલા કાનુડાનો જન્મદિવસ પણ ખરો ને? તો મારા તરફથી સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાંભળો આ સ્પેશિયલ ગીત – બે સુમધુર સૂર સાથે…
સ્વરાંકન: ચન્દુ મટ્ટાણી
સ્વર: આલાપ – હેમા દેસાઈ
.
વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?
ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…
ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…
એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…
Vansaladi.com , Vansaladi dot com, krushna dave
આ કાવ્ય mp3 માં ડાઉનલોડ કેવી રીતે કરવુ ?
સરસ ખૂબ જ સરસ
આ ગીત ડાઉનલોડ ક્યાંથી કરીએ… plz help