મારી ક્ષુદ્ર, મલિન આ જાત પરે
તારી શીતળ નાથ, કૃપા ન ચહુ
એને બાળ, પ્રજાળ, પ્રતાપ મહીં
તારા શેક હું શાંતિથી સર્વ સહુ.
એને હોય ન બોલ મીઠા કહેવા
એની હોય થાબડવી પીઠ કેવી ?
જેના મેલ પૂરા પીગળ્યા ન હજી
એને ધીખતી ધમણે આગ દેવી.
મારાં પોચટ રૂપનાં પાણી બધાં
તારી ઝાળમાં છો ને વરાળ બને
અને શક્તિના સ્વાંગ ગુમાની ભલે
થઈ રાખ ઢળે અસહાયપણે.
મારી ધૂળની કાયૅ તું છાઈ રહે
તારી મૂળ સનાતન જ્યોત ધરી
અણુએ અણુમાં છલકાઈ વહે
તારું ઊજળું, એકલું પોત હરિ !
મારી જાતને એવી જલાવ કે ના
મને ઓળખનારું ય કોઈ મળે
તારી કોમળતાને હું શું રે કરું
મને આપ પ્રહાર પ્રચંડ બળે.
પછી જોનારા જોઈ રહે કહેતા
તારી વીજપ્રભા તણી વાત મુખે
અરે ! જીવતી જ્યોતિનું દાન દેવા
મને બાળ, પ્રજાળ, ઉજાળ સુખે.
– મકરંદ દવે
ઓહ!
કોઈ ને પણ કશું કહેવું કેમ…?
એટલે જ તો પછી નક્કી કર્યું કે રહેવું..
જેમ રહેવાય એમ…
નરેન્દ્ર સોની