કાવ્ય પઠન – હેમંત પુણેકર
પ્રણયભીની યાદો લહર થઈ ગઈ છે
અગન અન્ય સૌ બેઅસર થઈ ગઈ છે
વિરહનો તણાવ આ સમય પર પણ આવ્યો
કે એકેક પળ એક પ્રહર થઈ ગઈ છે
મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે
મને જોઈને ફૂલ જેવું હસો છો
તો મારીયે વૃત્તિ ભ્રમર થઈ ગઈ છે
કવન ક્યાં છે? આ તો પ્રણયઊર્મિઓ છે
અનાયાસ જે માપસર થઈ ગઈ છે
કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
– હેમંત પુણેકર
છંદવિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા
માપસર –> છંદમાં હોવું
કવન –> કાવ્ય
******
(આભાર – હેમકાવ્યો)
કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે
ખુબ જ સુન્દર્.
વાહ… સરસ મજાની ગઝલ… માપસર કા જવાબ નહીં!