હરિને ન નિરખ્યા જરી – નાન્હાલાલ કવિ

સ્વર:ફાલ્ગુની શેઠ

.

મારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરી
એક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરી

શોક મોહના અગ્નિ રે તપે તેમાં તપ્ત થયાં
નથી દેવનાં દર્શન રે કીધાં તેમાં રક્ત રહ્યાં

પ્રભુ સઘળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યાં
નથી અણુ પણ ખાલી રે ચરાચરમાં ઊભર્યા

નાથ ગગનના જેવા રે સદા મને છાઈ રહે
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે

જરા ઊઘડે આંખલડી રે તો સન્મુખ તેહ સદા
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદા

પણ પૃથ્વીનાં પડળો રે શી ગમ તેને ચેતનની
જીવે સો વર્ષ ઘુવડ રે ન ગમ તોયે કંઈ દિનની

સ્વામી સાગર સરીખા રે નજરમાં ન માય કદી
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ વિરાટ’ વદી

પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ક્યારે ઊઘડશે
એવાં ઘોર અન્ધારા રે પ્રભુ ક્યારે ઊતરશે

નાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદા
નેનાં નીરખો ઊંડેરું રે હરિવર દરસે સદા

આંખ આળસ છાંડો રે ઠરો એક ઝાંખી કરી
એક મટકું તો માંડો રે હૃદયભરી નીરખો હરિ
-નાન્હાલાલ કવિ

આભાર માવજીભાઈ.કોમ

One reply

  1. અત્યંત આનંદ થયો આ કાવ્ય/ભજન સાંભળીને! સ્કૂલના દિવસોમાં અઠવાડિક પ્રાર્થનામાં ,પ્રાર્થનાની મધ્યે એક ભજન ગવાતું અને એ મેં અનેક વાર ગાયું હતું. એની આધ્યાત્મિકતા અનંત છે. અને ફલ્ગુનીનો સ્વર ભલે એટલે પૂછવું જ શું!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *