સ્વર: આશા ભોંસલે
સ્વરાંકન અવિનાશ વ્યાસ
.
સૌજન્ય:માવજીભાઈ.કોમ
છલકાતું આવે બેડલું! મલકાતી આવે નાર રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામના સુતારી રે, વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામના લુહારી રે, વીરા તમને વીનવું,
મારી માંડવડી મઢી લાવો રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામના રંગારી રે, વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામના કુંભારી રે, વીરા તમને વીનવું,
મારે ગરબે કોડિયાં મેલાવો રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામના પિંજારી રે, વીરા તમને વીનવું,
મારા ગરબે દિવેટ મેલાવો રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામના ઘાંચીડા રે, વીરા તમને વીનવું,
મારે ગરબે દિવેલ પુરાવો રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામના મોતીઆરા રે, વીરા તમને વીનવું,
મારો ગરબો ભલેરો શણગાર રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામની દીકરિયું રે, બેની તમને વીનવું,
મારો ગરબો ભલેરો ગવરાવો રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
મારા ગામની વહુવારુ રે, ભાભી તમને વીનવું,
મારો ગરબો ભલેરો ઝીલાવો રે
મારી સાહેલીનું બેડલું, છલકાતું આવે બેડલું
નોંધ :૧૯૭૭ના ગુજરાતી ચિત્રપટ “મનનો મણિગર” માં લોકગીત વપરાયું હતું.