“આંગળીઓથી ઠેક્યા શબ્દો
ક૨ી તાપણું શેક્યા શબ્દો
સૂરાઝબોળી આડીઅવળી
વાતોથી આ બહેક્યા શબ્દો”
-દિનેશ પંડ્યા
આજે વાત કરવી છે કવિ શ્રી દિનેશ પંડ્યાના નવા કાવ્ય સંગ્રહ “કરી તાપણું શેક્યા શબ્દો” માના કવિને ગમતા ત્રણ પદો વિષે,
ઝાઝુ ઝીણું ક્યાં દળવું છે? એકમેકને ક્યાં મળવું છે? (પૃષ્ઠ ૬૫)
ઝાઝુ ઝીણુ ક્યાં દળવું છે ?
એકમેકને ક્યાં મળવું છે ?
લાક્ષાગૃહ ભાડે રાખ્યું છે,
ખાખ થવાથી ક્યાં ડરવું છે ?
ધૃતરાષ્ટ્રથી આંખ મળી છે,
શોણિત જોઈ ક્યાં છળવું છે ?
કરવત કાજે કાશી આવ્યા,
વહેરો, પાછા ક્યાં વળવું છે ?
પવનપાવડી પહેરી શ્વાસે,
હવે ચિતામાં ક્યાં બળવું છે ?
– દિનેશ પંડ્યા
ગામની યાદ (પૃષ્ઠ ૯૬)
તળાવનો ભીનો ઓવારો
સાંજ પડે ને યાદ આવે છે
જલમાં ક્રિડા કરતો તારો
સાંજ પડે ને યાદ આવે છે.
ધુમ્મસ જેવો છવાઈ જાતો
ચૂલાનો મીઠો ધુમાડો
ભાગોળે અંધારું ઓઢ્યું
સાંજ પડે ને યાદ આવે છે.
તમરાંનો તંબૂરો લઈને
ચીબરી ગજવે આ સીમાડો
ધજા ફરકતી ભગવી પેલી
સાંજ પડે ને યાદ આવે છે.
આછું અંધારું ઓઢેલી
ગલીઓમાં શોધું પડછાયો
દૂર દૂર ટમટમતો દીવો
સાંજ પડે ને યાદ આવે છે.
– દિનેશ પંડ્યા
તુનતુન તાર બજાયો સાધો! કૌન મલકસે આયો સાધો! (પૃષ્ઠ ૮૦)
તુન તુન તાર બજાયો સાર્ધો !
કૌન મલકસે આયો સાધો !
અગમ નીગમકી કો૨ી બાતેં,
મન કાહે ઉલઝાયો સાધો !
જ્ઞાની કો જબ સુન્યો ધ્યાનસે,
મનહી મન મલકાયો સાધો !
ઢાઈ અક્ષર પઢ્યો પ્રેમ કો,
નયનનકો છલકાયો. સાધો !
ખૂલી આંખકો અચ્છો–બૂરો,
બંધ કિયો, સબ ભાયો સાધો !
ગુરુ બચાયો ગોરખ બન કર,
બૂઝ્યો દીપ જલાયો સાધો !
– દિનેશ પંડ્યા
આવી બીજી અનેક સુંદર રચનાઓ વાંચવી હોય તો એમનો કાવ્ય સંગ્રહ મેળવી શકો છો.
પુસ્તક મેળવવા નું સરનામુ :
ધ્વનિ સંજય પટેલ
7/A મેઘદૂત બંગ્લોઝ
સરદાર એવેન્યૂ
વલ્લભ વિદ્યાનગર
388120
ફોન:9428660382
કવિનો ટૂંકમાં પરિચય :
દિનેશ પંડ્યા
B.A.(1962), M.A.(1964) ,Ph D(1987)
દાહોદની નવજીવન આર્ટ્સ-કૉમર્સ કૉલેજમાં ૩૭ વર્ષના આધ્યાપનકાર્ય બાદ નિવૃત્તિ.
પુસ્તકો :
*જયન્ત પાઠક: વ્યક્તિત્વ અને વાંગ્મય (મહાનિબંધ)
*માય નૉઈઝ (હાસ્ય-કટાક્ષના લેખો)
*સ્માઈલ પ્લીઝ (હાસ્ય-કટાક્ષના લેખો : સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત)
*બચુભાઈ બેસણાવાળા (હાસ્ય-કટાક્ષનીલઘુનવલ)
*તું પૂનમ હું બીજ (કાવ્યસંગ્રહ)
*કરી તાપણું શેક્યા શબ્દો (કાવ્યસંગ્રહ: પ્રાપ્તિસ્થાન:શબ્દલોક પ્રકાશન,1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ:380001)
*હું મારામાં રહું છું(કાવ્યસંગ્રહ:પ્રેસમાં)
Wah wah shu rachana che uncle ni aavi Kavita aajkaal Bhu ochi hoy che I like each and every word of it it’s amazing
સમીરભાઈ ,
તમારી વાત સાચી છે. હું પણ લગભગ બધી જ રચનાઓની સાક્ષી છું.
આપણા સાવલી (જિ. વડોદરા) ના વતની, આદરણીય શ્રી દિનેશ પંડ્યા ની રચનાઓ માણવા જેવી હોય છે. શબ્દો અને પ્રાસ ની પકડ કાબિલે તારીફ છે. અભિનંદન !!!
જી જરૂર.
હજુ બીજી એમની કવિતાઓ પણ મુકીશું.