પઠન : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
.
સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે,
મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.
તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,
જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.
ભૂતકાળની મહેફિલમાં ચાલો ને જરા જોઈએ,
જો આપ હશો તો સાથે ફરવામાં મજા મળશે.
દુનિયાના દુઃખો તારો આઘાત ભૂલાવે છે,
નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.
માનવને ય મળવામાં ગભરાટ થતો રે’છે,
શું હાલ થશે મારો જ્યારે ખુદા મળશે.
થોડાક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,
તો પાછું મિલન થાતાં થોડીક મજા મળશે.
હું યત્ન નહીં કરતે જો એની ખબર હોતે,
પણ જાણ નથી શું શું તકદીર વિના મળશે.
સમજી લ્યો ‘મરીઝ’ એની સૌ વાત નિરાળી છે,
‘હા’માં કદી ‘ના’ મળશે, ‘ના’માં કદી ‘હા’ મળશે.
– મરીઝ
બહુજ સરસ મજાની વાત
કવિ મરીઝ ભાઈ ,સલામ કરવાનું મન થાય છે
આભાર
“માનવને ય મળવામાં ગભરાટ થતો રે’છે,
શું હાલ થશે મારો જ્યારે ખુદા મળશે.”
વાહ! કેવી ગળમથલ્!!!
સરસ ગઝલ.