બાળદિન Special 3: મારે પપ્પા બદલવા છે… – વિવેક મનહર ટેલર

કવિ મિત્ર વિવેક ટેલરનું એક વધુ બાળગીત આજે… એમની વેબસાઇટ પર બાળગીતોના શબ્દો શોધતા આ ટીપ્પ્પણી નજરે ચડી, જે અહીં કોપી પેસ્ટ જ કરું છું – એક મઝાનો સવાલ એણે ઉઠાવ્યો છે, જવાબ તમે આપશો?

“બાળકાવ્યો આપણી ભાષામાં ખાસ્સો ઉપેક્ષિત વિષય છે. ‘એક બિલાડી જાડી’ અને ‘હાથીભાઈ તો જાડા’થી વધારે આગળ આપણે જવલ્લે જઈએ છીએ. અલગ ફ્લેવરના બાળગીતો આપણી હોજરીને પચતા નથી.. ‘પપ્પાજીની ચડ્ડી’ જેવું નિર્દોષ અને રમતિયાળ ગીત પણ ઘણાંને ગમ્યું નહોતું. આ અઠવાડિયે ફરીથી એક બાળગીત… આપણી અંદરનું બાળક હજી જીવે છે કે નહીં એ ચકાસી જોઈએ?

સ્વર – વિવેક ટેલર

.

( …સ્વયમ્, ૧૦-૦૭-૨૦૧૦)

દુકાને જઈને પૂછ્યું મેં શેઠને, સ્ટૉકમાં કોઈ પપ્પા છે ?
મારે પપ્પા બદલવા છે…

ગેમ રમવાને એ મોબાઇલ તો આપે નહીં,
ઉપરથી આપે છે લેક્ચર;
ગણિતના કોઠાઓ ગોખી ગોખીને
મારા મગજમાં થઈ ગ્યું ફ્રેક્ચર,
છુટ્ટીના દિવસો ભણી-ભણીને, બોલો, કોણે બગાડવા છે ?
મારે પપ્પા બદલવા છે.

નાનકડા જીવની નાની ડિમાન્ડ મારી,
રાત્રે રોજ માંગું એક સ્ટોરી;
અક્કલના ઓરડેથી કાઢી દેવાની
કે એમાંય કરવાની કામચોરી ?
સ્ટોરીના નામે જે તિકડમ ચલાવો એને આજે પકડવા છે.
મારે પપ્પા બદલવા છે.

આમ કર, આમ નહીં, આમ કેમ? આમ આવ,
આખો દિવસ આ જ કચ કચ;
ખાતાં ખાતાં તારા કપડાં કેમ બગડે છે,
ચાવે છે કેમ આમ બચ્- બચ્ ?
ડગલે ને પગલે શિખામણ મળે નહિ એવા કંઈ સ્ટેપ લેવા છે.
મારે પપ્પા બદલવા છે.

– વિવેક મનહર ટેલર
(૦૩-૦૬-૨૦૧૦)

5 replies on “બાળદિન Special 3: મારે પપ્પા બદલવા છે… – વિવેક મનહર ટેલર”

  1. દરેક્ને કોઇ વખત તો આવુ મન થયુ જ હશે! સુન્દર!

  2. સરસ બાળગીત ઓડીયો સાથે, આભાર અને કવિશ્રીને અભિનદન…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *