જીવને છૂટ્ટો મેલો
બાંધી રાખ્યો કાં આખોયે જનમ અજંપાનો થેલો?
ભૈ, જીવને છૂટ્ટો મેલો…
એકમેકની અડખેપડખે, પંથ અને પગલાંની પેઠે
ગાયું ના ગરવું ગાણું, ફરક્યું ના ટહુકાટાણું
ગૂંચો હવે ઉકેલો, ભૈ જીવને છૂટ્ટો મેલો..
પરપોટા ઊંચકીને ચાલ્યા, અમથા અમથા થયા સવાયા
રોકેલા મૂંઝારા ફરતે, ચણી દીધા પાક્કા અંધારા
ઊઘડે ક્યાંથી ડેલો? ભૈ જીવને છૂટ્ટો મેલો..
આજ નહીં તો કાલે આવે ખરવાનું તો સૌને ફાળે
આવરદા ના કોઈ જાણે, સાંજ પડે હાંફે ને ભાળે
પગની નીચે રેલો, ભૈ જીવને છૂટ્ટો મેલો…
~ લતા હિરાણી