રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આલ્બમ : સંગત
સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી

.

રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ ?
બેસી ગયા ત્યાં ‘હાશ’નો અવસર બનાવીએ.

મનમાં જે રંગ-રૂપ ને આકાર રચાયા,
એની જ ઘડીએ મૂર્તિઓ, ઇશ્વર બનાવીએ.

ટીપું છીએ, વિસાત ભલે કૈં નથી છતાં,
ભેગા થઈને ચાલને સાગર બનાવીએ.

જે કામનું કશું જ નથી ફેંક એ બધું,
મનમાં ભરી, શું ? પંડને પામર બનાવીએ ?

આરંભમાં જ શૂરા, પછી પડતું મૂકવું,
ચલ મન ! કશું જીવનમાં સમયસર બનાવીએ.

ગમશે બધે જ, એક શરત છે ઓ જિન્દગી,
કરીએ વહાલ સૃષ્ટિને સુંદર બનાવીએ,

તક તો હતી, છતાંય ના મોકા ઉપર વહ્યા,
ઇચ્છા છે એ જ આંસુનું અત્તર બનાવીએ.

મજબૂર થઈને એણે પ્રગટવું પડે પછી,
‘મિસ્કીન’ પ્રાણ એટલો તત્પર બનાવીએ.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

2 replies on “રખડુ છીએ સ્વભાવથી શું ઘર બનાવીએ? – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”

  1. To see a World in a Grain of Sand
    And a Heaven in a Wild Flower
    Hold Infinity in the palm of your hand
    And Eternity in an hour

    WILLIAM BLAKE

  2. જે કામનું કશું જ નથી ફેંક એ બધું,
    મનમાં ભરી, શું ? પંડને પામર બનાવીએ ?
    અતિ સુંદર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *