સ્વરાંકન અને સ્વર : વિજય ભટ્ટ
.
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ડાળીએ કાબર કાગડા પોપટ વાયરા જેવું આવવું-જવું આવવું-જવું થાઉં
ઝાડ પરોવી લઉં મારામાં એક લીલાકુંજાર દોરે હું ઝાડમાં પરોવાઉં
પંડના જણ્યા જીવને જેવો પહેલોવારુકો અડકે માનો હાથ – એવું હું ઝાડને અડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
– રમેશ પારેખ
અતિ સુંદર! રમેશ પારેખના શબ્દોને તમારા સ્વર અને સ્વરાંકને સુંદર વાચા આપી.વિજયભાઈ,હેડ ફોન થી સાંભળ્યું અને લાગ્યું કે, ચાલને હું લીલું પાંદડું બનીને સૂકા ઝાડને વળગી પડું.
હાલની પરિસ્થિતિ જોતા આ રચનાનાં શબ્દો મને અનુરૂપ લાગ્યાં.અત્યારની પરિસ્થિતિમાં ચારે બાજુ સૂકા ઝાડ છે… લીલાં પાંદડાં ની જરૂર છે!
આ ગીત જયશ્રી ભક્ત અને હેતલ બ્રહ્મભટ્ટ નું ગમતું ગીત છે. રમેશ પારેખ ની અંજલિ ના કાર્યક્રમ માટે જયશ્રી એ ખાસ મને આ ગીત સ્વરાંકન કરવાનું સૂચવ્યું. મેં સ્વરાંકન કર્યું અને મારું પણ આ ગમતું ગીત થઇ ગયું!!! Thank you Jayshree and Hetal!
સુંદર સ્વરાંકન સુંદર ગાન વિજયભાઈ ને અભિનંદન
માન સાથે સ્વમાન ને પીરસતી,
દરેક શબ્દોથી લાગણી ખેરવતી;
માતૃ હૃદય ની યાદ અપાવતી,
ગુજરાતી નુ અભિમાન વધારતી;
આવી કવિતા ની શું વાત…
જય જય ગરવી ગુજરાત
અઢળક અર્થોની આદરવાણી,
સરળ શબ્દોની સરવાણી.
મારી વાણી વાચા ગુજરાતી,
મારી માતૃભાષા ગુજરાતી
સાવરે સૂકા ઝાડ ને જોઈ
એમ થયું કે પાંદડું લીલું બની ને વળગી પડું…