મેઘલી શ્યામલ એક રાતે – અંકિત ત્રિવેદી

સ્વર – પાર્થિવ ગોહિલ

(મેઘલી શ્યામલ એક રાતે………)

.

મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
મને યાદ છે.. તને યાદ છે?

પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
પછી હૈયાની હોવાનાં અણસારે તું,
પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,
જીવનની જૂદી શરૂઆતે, મસ્તીનાં મતવાલા નાતે,
સાવ અંગત બની ઝૂમતા-ચૂમતાં, સાવ અંગત બની ઝળહળ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

હવે વાતાવરણ છોને વરસાદી છે,
હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
હવે તારા વગર મારું સૂનું નગર,
નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
મને યાદ છે.. તને યાદ છે?

– અંકિત ત્રિવેદી

22 replies on “મેઘલી શ્યામલ એક રાતે – અંકિત ત્રિવેદી”

  1. પછી પગલાંએ પંથ જરા ટૂંકો કર્યો,
    પછી મોસમને ચાહવાનો ગુનો કર્યો.
    પછી હૈયાની હોવાનાં અણસારે તું,
    પછી શ્વાસોનાં અજવાળે ઓગળતો હું,
    અવસરને અજવાળી જાતે, એકબીજાની લાગણીઓ ખાતે,
    ભાન ભૂલીને ઓગળતા એકમેકમાં, એકબીજામાં ભૂલા પડ્યા.
    વાહ !!! અંકિતભાઈ, ખૂબજ સુંદર રચના છે.
    પાર્થિવભાઈની ગાયિકી અતિસુંદર છે.

  2. વસંતની વાત છે,
    હ્રદયની આસ છે;
    મેઘના મિલનથી ધરા તો શાંત છે,
    બસ હવે આ૫ના મિલનનીજ રાહ છે…!
    — ૫રેશ સાળવે.

  3. અતિ સુન્દર કાવ્ય-રચના અને અતિ સુન્દર ગાયકિનો સન્ગમ

  4. હવે વાતાવરણ છોને વરસાદી છે,
    હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
    હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
    હવે તારા વગર મારું સૂનું નગર,
    નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
    અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
    મને યાદ છે.. તને યાદ છે?..ઉદાસી વધારે થઈ..મને યાદ છે તને યાદ છે?સુમધૂર ગાયકી!અંકિતભાઈ ખૂબ સરસ વરસાદી ગીત..પ્રેમીની યાદ અપાવે એવું..
    સપના

  5. વાહ રે વાહ. ક્યા બાત હૅ. આખા ને આખા ભીંજવી દીધા. સુઁદર કલમ અને અદભૂત સ્વર અને સ્વરાંકન.

  6. મેઘલી શ્યામલ એક રાતે, આપણી પ્રથમ મુલાકાતે,
    એક રસ્તાની બંને તરફ ભીંજતા એકબીજાને આપણે જડ્યા,
    મને યાદ છે.. તને યાદ છે?

    “એકબીજાને આપણે જડ્યા”…”એકબીજામાં ભૂલા પડ્યા”…”સાવ અંગત બની ઝળહળ્યા”…”એકબીજાથી છૂટા પડ્યા”…હવે..

  7. અંકિત ત્રિવેદીની કલમ, પાર્થિવ ગોહીલનો અવાજ અને મધુર સ્વરાંકન – સુંદર વરસાદી ગીતે આખા ને આખા ભીંજવી દીધા.

  8. સુંદર રચના …

    હવે વાતાવરણ છોને વરસાદી છે,
    હવે આંખો પણ એવી ક્યાં ઉન્માદી છે?
    હવે ડૂમાનો તરજુમો, ડુસ્કાનું ઘર,
    હવે તારા વગર મારું સૂનું નગર,
    નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
    અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
    મને યાદ છે.. તને યાદ છે?

  9. ખૂબ જ સુંદર શબ્દો. અંકિતભાઈની રચના ઘણી ચોટદાર છે.

    સુમધુર ગાયકી…..

  10. અંકિત ત્રિવેદી કોઇ અસફળ પ્રેમ કહાનીને એટલો ચોટદાર શબ્દદેહ આપે છે કે તેની એક રચનામા કોઇના સમગ્ર જીવનની ઝાંખી થઇ જાય ..

  11. ખૂબ જ સુંદર રચના છે.
    “પછી સપનાની કુંપળને સમજણ ફૂટી,
    પછી જીવવાની જંખનાઓ સાથે લૂટી,
    પછી સુખ દુખનાં સરવાળા સાથે જીત્યા,
    પછી તારીખનાં પાનામાં વર્ષો વિત્યા,”.

    બાળપણ થી ઘડપણ સુધી નો સફર ચાર લીટી માં સમાવી લીધો.

  12. હાલના વરસાદી માહોલમાં જામે એવું ગીત. લય મઝાનો છે. ગાન પણ કર્ણપ્રિય.

    આ ગીત વાંચતા/સાંભળતા જ કવિશ્રી રમેશ પારેખનું ગીત યાદ આવી ગયું [આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: શ્યામલ-સૌમિલ, સ્વર: પાર્થિવ ગોહિલ]

    મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
    ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
    સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
    થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?

    – રમેશ પારેખ
    https://tahuko.com/?p=1502

  13. Lovely song, perfect for rainy film shot. It reminds me numerous film songs where Heroes and Heroins are blabbering such juvenile emotions.

  14. નાહક નજીવી કોઈ વાતે, અજાણ્યા કોઈ આઘાતે,
    અધવચાળે મૂકી સાથ-સંગાથને એકબીજાથી છૂટા પડ્યા.
    મને યાદ છે.. તને યાદ છે?

    બસ આ ન થાય એજ ખરુ યાદ કરવાનુ છ એજ સુંદર શિખ ….સરસ

    ખૂબ જ સુંદર શબ્દો, અદભૂત સ્વરાંકન અને અવાજ પણ દિગ્ગજ કલાકાર સમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *