એવી શરત હોય – રમેશ પારેખ

આલ્બમ : સંગત
સ્વર : આલાપ દેસાઈ

.

તું આવે અને આવવાની એવી શરત હોય
હું હોઉં નહિ મારા ઘરમાં તું જ ફક્ત હોય.

સુક્કાતું જળ છે, છે હજુ એકાદ માછલી
કોને ખબર કે કાલ પછી કેવો વખત હોય .

વળગી છે ક્યાંક ક્યાંક ખરેલા ફૂલોની ગંધ
નહિ તો શું છે આ ઘરમાં મને જેની મમત હોય?

નીંદર તૂટ્યા પછી ય નથી સ્હેજે તૂટતું
પથ્થરની જેમ સ્વપ્ન ઘણી વાર સખત હોય.

જે કઈ વીતે છે જે કઈ વિતવાની છે ભીતિ
ઈચ્છું છું વીતી જાય અને અંત તરત હોય .

તોડીને ફેકી દઉં છું તણખલા ની જેમ શ્વાસ
હું એમ આપઘાત કરું જાણે રમત હોય .

તોડીને ફેકી દઉં છું તણખલા ની જેમ શ્વાસ
જાણે કે તારા આવવાની એવી શરત હોય.

-રમેશ પારેખ

2 replies on “એવી શરત હોય – રમેશ પારેખ”

  1. ઉત્તમ ગીત તથા તેને અનુરૂપ ભાવજાગૃત કરતું સુંદર સ્વરાંકન. વાહ ભાઈ વાહ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *