(તોફાનની વચ્ચોવચ્ચ… ….નુબ્રા વેલી, લદાખ, જુન-૨૦૧૩ – Picture by Vivek Tailor)
*
તારા પર ગીત શું લખું હું કે તું છે મારી જીવતી ને જાગતી કવિતા,
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
પાસે તું હોય તો બસ તારામાં લીન રહું,
દૂર હો તો ઓર લાગે પાસે;
તારા અહેસાસનો પ્રાણવાયુ પી-પીને
રક્તકણો નીકળે પ્રવાસે,
શાહીમાં ડૂબેલ આ બ્લૉટિંગ પેપર ઉપર કેમ કરી પાડું હું લીટા ?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
સાચી મજા તો બસ, માણવામાં હોય,
સ્થૂળ વર્ણન તો ક્ષણનો બગાડ;
કોરાંકટ કાગળની ભરચક્ક ગલીઓમાં
પ્રેમ પ્રેમ પ્રેમ બૂમ પાડ
હોવાના અધ્યાય ત્યાં લખ્યા છે સાથ-સાથ, એથી વિશેષ કઈ ગીતા?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
-વિવેક મનહર ટેલર
(૧૩-૦૪-૨૦૧૩)