આપણે માણસ પ્રથમ સર્જક પછી
નીકળ્યું તારણ બધાં તારણ પછી
બે ઘડી વરસાદમાં ભીની ઘઈ
છત્રીને કેવી વળી ટાઢક પછી
અગ્રતા બદલાય છે વરસો જતાં
ફર્જ પહેલાં હોય છે ચાહત પછી
દ્રાર અંતરનાં અચાનક ઊઘડે
રિક્ત આંગણમાં થતી આહટ પછી
એક દિ કર્ફ્યૂમાં બસ નીકળ્યો હતો
જિંદગીભર હૂં રહ્યો સાવધ પછી
બેઉ બાજુ સ્તબ્ધ સન્નાટો મળે
સરહદો પહેલાં અને સરહદ પછી
તારં હોવું તું પ્રથમ પુરવાર કર
એના અસ્તિત્વ વિશે રકઝક પછી
– હિતેન આનંદપરા