મનોજ પર્વ ૦૧ : રસ્તા વસંતના

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! કવિ એમની એક ગઝલમાં લખે છે :

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.

ઓક્ટોબર, ૨૦૦૩ માં આપણી વચ્ચેથી વિદાય લીધા પછી પણ કવિ એમના શબ્દો થકી આપણી વચ્ચે જ રહ્યા છે.

મિત્રો, ચલો આપણે એક અઠવાડિયા સુધી ટહુકો પર ઉજવીયે મનોજ પર્વ. ગુજરાતી સાહિત્ય – ગઝલ વિશ્વને કેટલીય અમર રચનાઓ આપનાર કવિ શ્રી મનોજ ખંડેરિયાના શબ્દોનો ઉત્સવ એ જ મનોજ પર્વ.

અને હા.. સાથે એક સરસ મઝાના ખબર કવિ શ્રી ના ચાહકો માટે.. આજથી launch થઇ રહી છે કવિને શ્રધ્ધાંજલીરૂપ વેબસાઇટ : http://www.manojkhanderia.com/ કવિને.. કવિના શબ્દને… વાચકો અને ભાવકોની વધુ નજીક લઇ જવાનો એમની દિકરીઓનો પ્રયાસ..! વાણી અને ઋચાને આ વેબસાઇટ માટે ખૂબ ખૂબ અભિનંદન.

કવિ મનોજ ખંડેરિયાના શબ્દોનો ઉત્સવ ઉજવવા માટે શરૂઆત ક્યાંથી કરવી એ જરા અઘરો પ્રશ્ન હતો, અને આખરે મેં પસંદ કરી આ વાસંતીગઝલ..! વસંતઋતુના વધામણાની, એના સોંદર્યના ગુણગાન ગાતી કેટલીય રચનાઓ ગુજરાતીમાં લખાતી આવી છે અને લખાતી રહેશે, પરંતુ મનોજ ખંડેરિયાની આ રચના એમાં હંમેશા મોખરેના સ્થાને રહેશે…! કોઇ પણ સમયે વાંચો – સાંભળો અને આજુબાજુ વસંતને મહેસૂસ કરી શકો, એને કવિના શબ્દનો જાદુ ના કહેવાય તો બીજું શું? અને જેમ વસંતકાવ્યોનો ઉલ્લેખ આ ગઝલ વગર અધૂરો છે, એમ જ મનોજ-કાવ્યોનો ઉલ્લેખ પણ આ ગઝલ વગર અધૂરો જ રહે..!

સાંભળીએ આ અમર રચના – અમરભાઇના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ આ ગઝલના અલગ-અલગ કવિઓએ કરાવેલા આસ્વાદની એક ઝલક.

સ્વર – સંગીત : અમર ભટ્ટ

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

‘મનોજની કથનની રીત પણ કેવી નોખી છે ! વસંતને જોવા માટે એક નવી જ આંખ આપણને પ્રથમ પંક્તિમાં મળે છે. (મનોજ અને વસંતનો સંબંધ આમ પણ સનાતન છે !) વૃક્ષની આ ડાળ એ જ ખરેખર વસંતની પગદંડી છે. વસંત ચાલે અને જે પગલાં પડે છે એ જ આ ફૂલો. જે દ્રશ્ય છે એની પાછળ રહેલાં અદ્રશ્યને મ્હોરાવવાંઆ જ કવિની કુશળતા છે. આંખ સુગંધિત થઇ જાય એવો આ શેરનો મિજાજ છે. ‘
– જગદીશ જોષી

‘ગઝલના આરંભના બંને શે’રમાં કવિ કલ્પન સહાયથી અનવદ્ય એવું વાસંતી વાતાવરણ સર્જે છે. પરંતુ કવિને તો વસંતની સમાંતરે માનવીય સંવેદનાની પણ વાત કરવી છે. વસંતના માદક વાતાવરણનું સર્વત્ર સામ્રાજ્ય સ્થપાયું હોય એવે વખતે યુવાન હૈયામાં કંઇ હલનચલન ન મચે તો જ નવાઇ, અને કવિ એને વ્યક્ત કર્યા વિના રહે તો જ આશ્ચર્ય. અને એટલે જ તો કવિ અહીં વસંતની શોભાની સાથે જ – સમાંતરે જ નાયિકાના સોંદર્યને પન પ્રત્યક્ષ કરાવે છે. નાયિકાનું સોંદર્ય વસંતની શોભાની સાથે જાણે સીધું સ્પર્ધામાં ઊતર્યું છે. વસંતની માદકતા ભરપૂર એ, તો નાયિકાનો કેફ પણ ક્યાં ઓછો છે?’
– નીતિન વડગામા

‘શિયાળા પછી આવતી વસંતઋતુનો અર્થ એ કે તમારી ઠીંગરાઇ ગયેલી માનવતાને હૂંફની જરૂર છે. માટે આ વાસંતી સુખની ને સ્મરણોની ફાંટ બાંધી લો. વસંતના તડકા એટલે વરણાગીવેશ નહીં, પણ સમજણ અને સંવાદનો સંદેશ. જીવનનું એ ભાથું આગળ જતાં તમને કામ આવવાનું છે. તમારી ફાંટ ભરી હશે તો તમારા હાથ ને હૈયું ઉદાર બનીને તમે જે માર્ગ પર પસાર થશો તેના પર છુટ્ટે હાથે વસંતના વાવેતર કરવાની મોજ માણશો. ફાંટમાં બાંધ્યું હોય તે મારગમાં વેરી-વેરીને હળવાફૂલ થઇ જવું તે. તો તમે આ લાખેણા અવસર બે હાથે નહીં, બત્રીસ હાથે લૂટો અને બત્રીસલક્ષણા બની જાવ ! કુદરતના આવા રમ્ય સાક્ષાત્કારની ઘડીઓ ફરી નસીબમાં આવે, ન યે આવે. ‘
– રમેશ પારેખ

સાભાર : શબ્દો જન્મ્યા પરવાળામાં (મનોજ ખંડેરિયાનાં કાવ્યોનો આસ્વાદ, સંપાદન – નીતિન વડગામા)

24 replies on “મનોજ પર્વ ૦૧ : રસ્તા વસંતના”

  1. આજે વસંત પાંચમી છે આને મનોજ ભાઈ નું આ કાવ્ય સાંભળી ને ઉજવણી કરી

  2. વસંત…સુગંધ….રંગો….પ્રકાશ…સંગીત સૂર…આનંદ …માત્ર માણવાનું !-લા’કાન્ત / ૭-૭-૧૨

  3. અમે જ્યારે નાના હત અને આ ગીત ભણવામાં આવતું,
    મોઢે પન કરવું પડતું,
    આ ગીતને
    “જબ હમ જવા હોંગે, જાને કહા હોંગે”
    ની ધુન પર ગાતા અને તેજ રીતે મોઢે પણ રહી જતુ…

    ખુબજ સુંદર રચના

  4. સ્કુલ ની જુવાની જાણે પાછી આવી ગઈ,તે સમયે ઇન્ટરસ્કુલ સ્પર્ધા મા અમારા અમારા ગ્રુપ નો આ ગીત સાથે બીજા નંબરે હતા.

  5. તમારી ફાંટ ભરી હશે તો તમારા હાથ ને હૈયું ઉદાર બનીને તમે જે માર્ગ પર પસાર થશો તેના પર છુટ્ટે હાથે વસંતના વાવેતર કરવાની મોજ માણશો. ફાંટમાં બાંધ્યું હોય તે મારગમાં વેરી-વેરીને હળવાફૂલ થઇ જવું તે. તો તમે આ લાખેણા અવસર બે હાથે નહીં, બત્રીસ હાથે લૂટો અને બત્રીસલક્ષણા બની જાવ ! કુદરતના આવા રમ્ય સાક્ષાત્કારની ઘડીઓ ફરી નસીબમાં આવે, ન યે આવે. ‘
    – રમેશ પારેખ
    સરસ વાત છે ને મઝા આવિ ગઇ

  6. મનોજ પર્વ ઉજવવા બદલ ખુબખુબ અભીનંદન.

  7. […] ભરેલી વાસ અને સુગંધ પર ફેરવતું ગયું.. ‘આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના’ ના કવિને પાનખર અડકી ગઈ! ખર્યા આ […]

  8. સર્વ લોકોએ મનોજભાઈ ને જન્મ-દિવસ પર હાર્દિક શ્રધ્ધાંજલી આપી. મ્રુત્ય્રુ પર શ્રધ્ધાંજલી ને જન્મદિવસ પર યાદ કરવાના હોય. મનોજ્ભાઈ અવિસ્મરણય વ્યકતેીત્વ છે ને રહેશે.

  9. મનોજ ખન્ડેરિયા ની કલમનો શું કમાલ છે !અદભુત !અમર ના કંઠમાં અજબની મીઠાશ છે.આ જબરી સંગત રહી.
    આફ્રીન !

  10. પ્રિય જયશ્રી,
    પપ્પા ના જન્મદિવસ નિમિતે મનોજ પર્વ ઉજ્વવા બદલ અને http://www.manojkhanderia.com વેબ્સાઈટ લૌન્ચ કરવા બદલ ખુબ ખુબ આભાર.

    ખંડેરિયા પરિવાર તરફથી સર્વ કવિતા રસિકોને ચાહકોને પણ ખુબ ખુબ આભાર
    – વાણી અને ઋચા ખંડેરિયા

  11. મનોજપર્વને માટે અભિનદન અને કવિશ્રીને શ્રદ્ધાનજલિ……..

  12. જ્યારે વાંચો કે સાંભળો ત્યારે વસંત લાવી દે એવી મજાની મારી ખૂબ જ ગમતીલી ગઝલ…

    કવિશ્રીની વેબસાઈટ માટે એમની દિકરીઓનો ખૂબ ખૂબ આભાર… અને હાર્દિક અભિનંદન.

  13. અદ્ભુત ગઝલકાર મનોજકાકાને એમના જન્મદિને અમરભાઈના હૃદયગમ અવાજમાં વાસંતી શ્રદ્ધાંજલિ….. ટહુકોને મનોજ-પર્વની ઊજવણી બદલ અભિનંદન!

  14. મનોજભાઈની અજરામર ગઝલ…
    સુંદર મજાની વેબસાઈટ આપણને ભેટ ધરવા બદલ વાણી અને ઋચાનો હૃદયપૂર્વક આભાર…

  15. પ્રિય ગઝલકાર-કવિ સ્વ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મ-દિવસ પર હાર્દિક શ્રધ્ધાંજલી!
    મનોજભાઈના શબ્દો અને અમરભાઈનો સ્વર અને સ્વરાંકન ખરેખર વસંતની સફર કરાવી દિધી !
    ભણતા હતા ત્યારે આ કાવ્ય શિખેલા પણ શાસ્ત્રિય સન્ગીત અને અમરભાઇ ના અવાજ મા એવો જાદુ છે કે સામ્ભળતા જ રહી ગયા !!! આભાર….

  16. મનોજભાઈને શ્રધાંજલી..
    ખરેખર વસંતની સફર કરવાની મઝા આવી.
    આભાર !

  17. સરસ ગઝલ. અમરભાઈના અવાજ પણ અસરકારક અને વસંતનું ગીત. બીજુ શું જોઇયે?મનોજભાઈને શ્રધાંજલી..
    સપના

  18. પ્રિય ગઝલકાર-કવિ સ્વ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મ-દિવસ પર હાર્દિક શ્રધ્ધાંજલી!
    મનોજભાઈના શબ્દો અને અમરભાઈનો સ્વર અને સ્વરાંકન ખરેખર વસંતની સફર
    ન કરાવે તો જ નવાઈ!
    એમની વેબ-સાઈટની જાણકારી બદલ આભાર અને મનોજ-પર્વની ઊજવણી બદલ અભિનંદન!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *