…પતંગ થઇને આખો દિવસ ઊડે સૌ ગુજરાતી! – જય વસાવડા

ગયા વર્ષે ઉત્તરાણના દિવસે ‘ગુજરાત સમાચાર’માં છપાયેલો આ જય વસાવડાનો લેખ… – તમે મારી જેમ ઓફિસમાં બેઠા હોવ, અને આજુ બાજુ આ નીચેના ફોટા જેવું વાતાવરણ હોય – તો પતંગની મધુર યાદમાં – આ લેખ આજે જ માણી લો..! અને જો એવી કોઇ મજબૂરી આડે ન આવતી હોય – તો અહિ શું કરો છો? જાઓ… પતંગ ચગાલો… ૧-૨ તલના લાડુ મારા તરફથી પણ ખાઈ લેજો..!! 🙂

( Bay Bridge, San Francisco @ 2.10 pm, January 13, 2011)

******

પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો-
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !

હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા…
માર નગારે ઘા,
ગમગીનીનો ગોટો વાળી
જલદી કૂદ કછોટો વાળી
ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા !
આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા…

આભ, તને
આ પતંગ રૂપે છે નિમંત્રણ-
નીચે આવી ચાખ ઉમળકો,
ચાખ જુવાની, ચાખ લાગણી
ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ
આભ, તું જરાક નીચે આવ…

– રમેશ પારેખ

રમેશ પારેખની આ કવિતા (કવિના, જગતના) કમનસીબે ગુજરાતીમાં લખાઇ છે. બાકી અંગ્રેજીમાં હોત તો ‘મોસ્ટ ક્લિક્ડ કાઈટ પૉએમ’ તરીકે સર્ચ ‘એન્જીન’ની સિસોટી વગાડતી હોત! વૉટ અ ફેન્ટાસ્ટિક ફેન્ટેસી! મોટાભાગની પતંગ કવિતાઓ માણસની કે પતંગની ઉડાનની વાત કરે છે. અને આ કવિતા વાત કરે છે, આકાશકુમારની! જી હા, આસમાન કેટલું વિશાળ છે, વિરાટ છે, ગ્રેટ એન્ડ ગ્રાન્ડ સ્કાય. ટોપ ઓફ ધ વર્લ્ડ!

પણ આ ભવ્ય, ધરખમ, અનંત આકાશ બિચારું એકલું છે. બહુ ઉંચે હોવાના શ્રાપથી ગ્રસ્ત છે. બ્લ્યુઝ ઓફ સ્કાય! બોઝિલ ગમગીનીના વાદળી રંગે રંગાયેલી દિવસના ઝળહળતા આકાશની ભેંકાર ભવ્યતા છે. અફાટ, અસીમ, અનંત એકાકીપણું. અને પતંગો? જાણે આ એકલવાયા આકાશના ગાલે આપણે વ્હાલથી મારેલી ટપલી. પતંગોત્સવમાં પતંગો નથી ચગતા, ચગે છે આપણો થનગનાટ, તરવરાટ, જીંદગીને માણવાની, હસવા-ગાવાની નાચવાકૂદવાની આપણી મોજ, મસ્તીનો મિજાજ! માણસ ટેન્શન ભૂલીને, દુઃખો ભૂલીને પતંગબાજીના નામે ઘડીબેઘડી ઠેકડા મારે છે. ચિચિયારીઓ પાડે છે. હળીમળીને ગેલ ગમ્મત કરે છે. ગંભીર પ્રિન્સિપાલ જેવું આસમાન સ્થિર છે. અને એટલે જ કવિ કહે છે, ભલે તું ઉપર રહ્યું- મહાન થયું. આવ પતંગની દોરીએ સરકતું નીચે! અને જરાક જો અમારા ઉમંગના રંગો, જુવાનીનું જોશ, ભાવનાની ભરતી. ભલે ગગન અમર હશે, અને માણસ મરતો હશે. પણ માણસ પ્રેમ કરે છે, સ્મિત કરે છે, ઝૂમે છે, ઉત્સવ મનાવે છે- અને એ બહાને મૃત્યુને પડકારે છે!

વૉટ અ થૉટ! કાઈટ્સ પર એક નેવરબિફોર અંગ્રેજી બૂક લખતાં લખતાં હમણા જ થયું કે રંગબેરંગી તસવીરોમાં ભળે એવા અંગ્રેજી પતંગકાવ્યો અપરંપાર છે. ‘મેરી પોપિન્સ’ કે પેટી ગ્રિફિનના એવરગ્રીન સોંગ્સ આજે ય ઝાંખા થયા નથી. પણ અંગ્રેજી પછી બીજી કઇ ભાષામાં પતંગ પર કવિતાઓ રચાઇ હશે? કદાચ ગુજરાતી! અને એ ય પાછી પતંગો જેવી જ કલરફૂલ વરાયટી વાળી! અંગ્રેજી જોડકણાઓને ટક્કર આપે એવા વૈચારિક ઉંડાણના રંગછાંટણાવાળી! ચાલો, સંક્રાંતિપર્વમાં ચગાવીએ ગુજરાતી કાવ્યપતંગ! જેમ કે, સાહિત્ય પરિષદના પ્રમુખ ભગવતીકુમાર શર્માની આ રંગબેરંગી રચના…

પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!

પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…

કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…

વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!

– ભગવતીકુમાર શર્મા

એક બાજુ આસમાની સમંદરમાં તરતી, પૂંછડી લહેરાવતી પતંગરૂપી માછલીઓ અને બીજી બાજુ અરમામોને કન્ના બાંધીને રોમેન્ટિક ખ્વાબ નિકળતી કોઇ કોડીલી કામિની! જેના મનમાં સપનાઓનો સૂસવાટા મારતો પવન ફૂંકાતો રહેતો હોય છે. અને માણસ જેમ ધરતી પર લડતો-ઝગડતો, વટ મારતો, બીજાનું છીનવતો હોય છે, એમ પતંગમાં ય એના મનમાં ધરબાયેલો જંગ બહાર લઇ આવે છે! લેખના શીર્ષકમાં જે રઈશ મણિયારના મેહુલ સુરતીએ સંગીતબઘ્ધ કરેલા ‘ચેતનવંતા તહેવાર’ ઉતરાણના મસ્ત ગીતમાં ય શીખ આપી છે ઃ હળવા થઇને પવનની સાથે થોડું ઉડી લઇએ, મોટપ નીચે મૂકી ઉપર નાના થઇને જઇએ!

ડો. જગદીપ નાણાવટી પણ ઉતરાણનું ચીતરામણ આવા શબ્દોમાં કરે છે ને!

ચાલ ભેરુને સંગ
લાલ દોરીને રંગ
ચિત્ત ચોટેના આજ કોઇ કામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

ચોક ફળીયા સૂમસામ
પોળ કરતી આરામ
ગામ રંગે ચડ્યું છે બઘું ધાબમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

લાલ પીળા ચટ્ટક
ફુલ ખિલ્યાં અઢળક્ક
જાણે ધરતી વરસી’તી આસમાનમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

બોર ગંડેરી પાક
ખાવ ઉંધીયાના શાક
સાંજ રડવડતી ખાલી સૌ ઠામમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

માર કાઈપાની બૂમ
પછી પકડ્યાની ઘૂમ
કોઇ દોડે લઇ ઝાંખરાને વાંસમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

ફરરર ઉડી ગઇ લાજ
છેડ બિંદાસી સાજ
વહુ તાળી દે સસરાનાં હાથમાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

ક્યાંક હૈયાનાં તાર
ક્યાંક છુપો અણસાર
પેચ લાગે છે ક્યાંક કોઇ આંખનાં
મારા ઉરનો પતંગ ઉડે આભમાં

ચાંદ તારાને રાત
ઉગે સરખું પરભાત
તોયે કરતી ઉત્પાત
સાલી માણસની જાત
આભ વહેંચે છે અલ્લા ને રામમાં

ભારતભરમાં પતંગનું આવું પર્વ મનાવતી જાતિ તો ગુજરાતી જ છે. નવરાત્રિના દાંડિયા અને પતંગના પેચ એ ગુજરાતની એવી મોનોપોલી છે કે જેને જોઇને દુનિયા ડોલી છે! પૂજાપાઠની ઔપચારિકતા કરતા ઉલ્લાસનો ઠાઠમાઠ આ તહેવારોને ટકાવી રાખે છે. બાકી તો, રેસિંગ કારની માફક ફ્લાઈંગ કાઈટ્સની વિડિયો ગેઈમ પણ બની શકે ને! એકબીજામાં ગુંચવાતા રંગબેરંગી અવનવા આકારોના પતંગતણા – પોઈન્ટ સ્કોરિંગના રાઉન્ડ્સ! કોમ્પ્યુટરના સ્ક્રીન પર અવનવા વાતાવરણમાં પતંગ ચગાવવાની અને મેક્સીમમ કાઈટ્સ કાપવાની!

વૅલ, વૅલ. એમ તો આખી દુનિયામાં આ પતંગ ‘કાપવા’ની પ્રવૃત્તિ (કે વૃત્તિ?) પણ આપણી જ છે! જગતના કોઇ દેશમાં બીજાના પતંગને પેચ લડાવી કાપવાની ‘હિંસા’ આટલા મોટા પાયે થતી નથી. પતંગ ચગાવવાની હરિફાઇઓ દુનિયાભરમાં થાય છે, પણ આપણા ઘરઆંગણે તો ‘પતંગ કાપવા’ની સ્પર્ધા જામે છે. જે મનમાં, એ મેદાનમાં! પછી પંગુ પતંગોની પાંજરાપોળ બની જાય વીજવાયરો કે વૃક્ષો! આ કટારમાં રીડરબિરાદર અને અમેરિકામાં ભણતા તેજતર્રાર યુવા વિદ્યાર્થી સાક્ષર ઠક્કરે એક ખટમીઠી કવિતા લખી છે – કપાયેલા પતંગની કથા!

આવો લોકો તમને સંભળાવુ વાત કપાયેલા પતંગની,
જે દિવસે હું કપાયો એ દિવસના આકાશીજંગની.

ખંભાતમાં મારી બનાવટ થઇ ને લઇ જવાયો હું અમદાવાદ,
ભીનો થઇ ગયો પહેલા જ દિવસે જ્યારે પડ્યો નાગો વરસાદ.

માલિકે મને તડકે સુકવ્યો, ને સાથે ચાલુ કર્યો ફેન,
સુકાયો પછી મને વેચવા પાડી બુમો, “લઇ લેજો ભાઇ, લઇ લેજો બેન”

લઘર વઘર નામે એક ભાઇ ની મારી પર નજર દોડી,
મારા જેવા જ ભાઇઓ સાથે લઇ લીધી ૪ કોડી.

૧૩ જાન્યુઆરી રાતે મારા લગન થયાને બાંધી મને એક કન્યા,
સાંકળ ૮ નુ પાયરેટેડ વર્સન હતુ એ નામ હતું “અનન્યા”.

૧૪ જાન્યુઆરીનુ સવાર હતું ને હતી ઘણી તેજ હવા,
લઘરવઘરના એક જ ઠુમકે મંડ્યો હું તો ચગવા.

હજુ તો હવાની મજા લેતો તો ને બીજી પતંગ નજીક આવી,
લઘરવઘરનાં ઘણા પ્રયત્ન છતાં મારી દોરી રંગ ના લાવી.

આ ન્યાય મને ન ફાવ્યો, કેવું છે આ વ્યંગ.
દોરીના વાંકે હું કહેવાઉ છુ કપાયેલો પતંગ.

તમારી ગેરસમજણ દુર કરવાજ કીધી મેં આ સ્ટોરી,
પતંગ કોઇ’દી કપાતો નથી, કપાય છે ખાલી દોરી.

-સાક્ષર ઠક્કર

જેમ તલવારથી ઘાયલ ન થતો માણસ પ્યારથી લોહીઝાણ થઇ જતો હોય છે, એવી જ કંઇક આ વાત છે. ઘણા શબ્દો એવા હોય છે, જે મૂળ અર્થને દર્શાવે નહિ! જેમ કે, માથું ઓળવું! (ઓળાતા તો વાળ હોય છે!) લોટ દળવો! (દળવાનું તો અનાજ હોય છે ને!) એવું જ કંઇક આપણા ગુજરાતી શબ્દપ્રયોગ ‘કપાયેલા પતંગ’નું છે. દોરી સાથ છોડીને બેવફા બની, ‘ભૂલા દેંગે તુજ કો સનમ ધીરે ધીરે’ લલકારતી કટ થઇ જાય… અને વટ ઉડી જાય બાપડા પતંગનો! રિયલ લાઈફમાં પણ સંજોગોની દોરી કપાવાને લીધે ઉંચી ઉડાનમાંથી લૂઢકી ગયેલા પતંગો જ નિષ્ફળ, નકામા, ના-લાયક તરીકે બદનામ થતા હોય છે. પેલી દોરીનો તો કોઇ જ વાંક જ કાઢતું નથી!

ઘણી વખત ધસમસતા, આસમાની ખ્વાહિશોને ચૂમવા ઉછળતા ઉત્સાહી પતંગો ઉંચે ચડે ન ચડે, ત્યાં તો ફિરકીમાં જ માંજો ખૂટી જતો હોય છે. કે પછી ઠરીઠામ થાય ત્યાં જ કોઇ અણધાર્યા પેચ લગાવીને એ જે આશા, પ્રેમ વિશ્વાસની દોરી પર ઠુમકતો હોય છે, તે જ છેદી નાખે છે! સંબંધો પણ સમજણની પાતળી દોરીએ હવામાં ઉડતા હોય છે. જો એમાં ક્યાંક ગેરસમજ કે ગુસ્સાનો અણિયાળો કાચ અડી ગયો તો, પતંગનું પતન નક્કી! જેને કુદરતી સમયના સથવારાનો, વિધાતાની પતંગબાજી જેવી નિયતિનો પવન મળ્યો, એ પતંગ ઉડ્યા અને જેના માટે આ પવનનો પડદો પડ્યો, એ કપાઇને પડ્યા! અવિનાશ વ્યાસનું પેલું ગીત ૨૦૧૦માં પણ કેવું તાજું તાજું?

.

કટ્ટમ કટ્ટી કટોકટી…
ઉંધી ચત્તી કટોકટી…
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર…

કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો..

પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર…

કોઇ ફસ્કી જાય, ને કોઇ રડે
કોઇ ચડે એવો પડે ને
કોઇ ગોથા ખાય કોઇ લડે..

પટ્ટાદાર, જાનદાર, મંગુદાર..
આંકેદાર.. ચોકડીદાર..
કાગળ જેવી કાયામાં પણ
માયાનો નહીં પાર…

કોઇ કોઇને ખેંચી કાપે,
કોઇની ઢીલ કોઇને સંતાપે
કોઇ કપાતું આપોઆપે,
કોઇ કપાતું કોઇના પાપે

કોઇ પતંગ પંડે પટકાતો
ઊદ્દી, ખેંશિયો, પાવલો,
અડધિયો, પોણિયો, આખિયો,
આ રંગીન જન્મ-મરણની દુનિયાનો

કોઇ ન પામ્યું પાર
પતંગનો પરિવાર….

અહા! કાગળ જેવી કાયામાં પણ માયાનો નહિ પાર! (ગુજરાત માટે તો પતંગનો તહેવાર પણ વેપાર!) પતંગ જેવી જ જીંદગી છે ને! ક્યાંક પંડે પટકાવાનું, ને ક્યાંક કોઇકના હાથે પટકાવાનું! પવન પૂરબહાર હોય તો રંગીન ઉડાન ભરવાની પણ અંતે તો આયુષ્યની, તબિયતની, સફળતાની, લોકપ્રિયતાની, સર્જકતાની દોરી ગમે ત્યારે કોઇને કોઇ નિમિત્તે કે પછી અચાનક અકસ્માતે પણ કપાવાની તો હોય જ છે ને! શાશ્વત ગગનચુંબી એવો કોઇ પતંગ નથી. કાં સાંજ પડે પતંગને પાછો ખેંચવો પડે છે, અને કાં તો એ અધવચ્ચે જ ઉપરથી નીચે આવી પડે છે! કારકિર્દીમાં, જીંદગીમાં ભલભલા જોરદાર પતંગો અંતે કાગળની કાયાથી વાયુ સામે બાથ ભીડીને, તલસાંકળી ખાતા ખાતા તમાશો જોઇને તાળી પાડતી પ્રજાની ચિચિયારીઓ વચ્ચે કપાતા હોય છે. કપાયા પછી લપાતા, છુપાતા હોય છે!

પતંગ કોઇ સતત ઉપર રહી શકતો નથી, ઉંચે ને ઉંચે ઉડી શકતો નથી. ક્યાંક અટકવું પડે છે, ઢળવું પડે છે. પણ મજા એ છે કે બસ ભલે ચંદ મિનિટો માટે- પણ એક વખત ઉડવા તો મળ્યું! ઉપરથી નીચે જોવા તો મળ્યું! એટલું ય કેટલા કરી શકે છે? લિવ લાઈફ કાઈટ લાઈક, થોડીક પળો માટે પણ ટેસડા કરી લો. આનંદથી આવનારી ઢીલ કે પેચની પરવા વિના ઉડી લો. ઉડવાથી ડરતા જ રહેશો, તો ય ધાબામાં પડ્યા પડ્યા ફેંકાઇ જશો. એ કરતાં હિંમતથી થોડુંક બધી મથામણ ભૂલીને યૌવનના પવનમાં ઉડશો, તો કદી ચાખી ન હોય એવી લિજ્જતનો સ્વાદ ખબર પડશે.

બાકી લોકોનું તો એવું, પતંગ ચગે તો ય શોરબકોર કરશે, અને પતંગ કપાય તો પણ! જેમને ચગાવવો છે અને મળતા નથી એમને પતંગ આપો, તો કાપ્યા કરતાં કંઇક વઘુ મળશે. અને હા, પ્લાસ્ટિકની કે ધારદાર દોરીથી ઈશ્વરે ચગાવેલા પંખીડાના પતંગોને કાપવાનો હક કોણે આપ્યો ભલા?

હેપ્પી ઉત્તરાયણ!

ઝિંગ થિંગ

છે પાંખ ભાગ્યમાં કિન્તુ ગગન નથી એથી
ખરી રહ્યા છે પીંછા ઉડ્ડયન નથી એથી
તમન્ના હોય છે, છતાં કંઇ જ થઇ નથી શકતું
પડી રહ્યા છે પતંગો, પવન નથી એથી

(પંકજ વખારિયા)

27 replies on “…પતંગ થઇને આખો દિવસ ઊડે સૌ ગુજરાતી! – જય વસાવડા”

  1. Hello Jayshreeben
    You have been doing wonderful job of keeping our Gujarati culture live. Your efforts are greatly appreciated.
    I have a suggestion, can you make an app to play Guajarati Geeto according to our festivals, for example “Makar Sankranti” “Vasant Panchami” “Holi” Dhuleti” Ram Navmi” ….. “Diwali” etc. and so on.
    Me and our kid listen to Christmas songs every year, if there is an app for “Indian Festival Songs” it would be great musical experience for Indian Festivals.
    You have fabulous collection of Gujarati Geets, if you can organize and create an app, it would be easy to keep kids interested and adults will enjoy as well.
    Thanks.

  2. પતંગની જેમ ખુશીના આભે ઉડાડે એવું સંકલન જયશ્રીબેન !

  3. જયભાઇ,ગયા વેીકના ગુજરાત સમાચારના બન્ને લેખવાચિ ખુબજ મજા આવિ.અત્યારે પોઇન્ત્સ યાદ નથિ પન થોદા સમય પચ્હિ યાદ આવિ જશે.તેમા એક એક પોઇન્ત્સે જે વાત કરિ ચ્હે, વાહ્.. વાહ્.. કર્યા વગર રહિ શકાય એમ નથિ.ખુબજ સરસ હતુ.ગયા વરસે મે તમોને મોરારિ બાપુના સાહિત્ય સન્મેલનમા સામ્ભલ્યા,સુરતમા કોઇ સન્મેલનમ્મા સામ્ભલ્યા.ખુબજ સુન્દર વક્તવ્ય હતુ.હુ તો કોઇક વાર વાચુ ચ્હુ કે કોઇવાર કવિતા સમ્ભલુ ચ્હુ,મને ખુબ મજા પદે ચ્હે.આભાર.

  4. પર્વ મા ઉતમ પર્વ , જે , બહુજ સરસ વાત , જ્હેીવન ના પાથ શિખવિ જયે , ઉપર / નેચે જેીવન નો કાયમ રન્ગ , આ વ્વાતો પતન્ગ થિ અન્ય મહ્દ્યમ નથિ જ ……………….ધન્ય્વદ

  5. સ્નેહીશ્રી જયભાઇ,

    તમારા ગુજરાત સમાચાર માં આવતા બધા લેખ હું વાંચુ છું.આપના નિખાલસ છતાં સ્પષ્ટ અભિપ્રાયો ખૂબ ગમે છે.

  6. ખુબ સુન્દર
    મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ
    સહેજ ભીની સહેજ કોરી હોય છે,
    લાગણી તો ચંચળ છોરી હોય છે,
    હોય છે રંગીન પતંગો બધાની પાસે,
    પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

  7. ઉત્તરાયણનાઁ બધાઁ ગેીતો સાથે તમારાઁ અવલોકનો
    વાઁચી ખૂબ ખુશ થઇ જવાયુઁ.આભાર બહેના !!

  8. jayshreeben
    this is jitendra parikh from bombay.well this is agreat contribution from you and your team, to keep the festivals
    and culture of gujarat alive, by contributing and including
    on your website.
    i tried to send this massage in gujarati, but could not sucseed
    and hence written in gujarati.next time i will try to learn from
    some one how to type gujarati.
    jai shri krishna
    jitubhai parikh

  9. શ્રી જયશ્રીબેન,
    સુરતી વ્યક્તિને પતંગની વાત આવે અને વિદેશમા રહેતા હોઈએ ત્યારે જે આનંદ થાય એનુ વર્ણન કરવા શબ્દો ઓછા પડે, પછી ગઝલ,લેખ, કાવ્ય, વાર્તા હોય, મકરસક્રાન્તી સુધરી ગઈ એવુ લાગે છે, પતંગ તો ચગાવી શક્યો નથી પણ અગાશી પર જે આનંદ મળતો હતો એ જ આનદ અનુભવવાની તક આપવા બદલ આપનો આભાર, શ્રી જયભાઈને અભિનદન અને સલામ……………….

  10. બધ્ધા કાવ્યો,લેખ અને કાવ્યોની નીચેના લખાણો ખુબ ગમ્યાં.
    જયશ્રીબેનને અભિનંદન.

  11. જયશ્રીબેન… એ કાપ્યો છે…ના અવાજો કાનમા ગુન્જે છે….ફીરકી ઢીલી પકડને…આકાશમા રન્ગબેરન્ગી નાના મોટા પતન્ગો ચારેબાજુ દેખાય છે..જલ્દી પકડ પેલો કપાઈને આ બાજુ આવે છે…મકરસન્ક્રાન્તી ની મુબારકબાદી તમને પણ…ઉત્તરાયણની મજા મા હોય તલના લાડુ…તમે બધુ યાદ દેવડાવી દીધુ. મને યાદ આવ્યુ આ ગીત્…! ચલી ચલી રે પતન્ગ મેરી ચલી રે..ચલી બાદલો કે પાર હોકે દોર પે સવાર સારી દુનીયા એ દેખ જલ મરી રે..પતન્ગ ની મીઠી યાદો માટે આભાર.

  12. પતંગ પરનુ આ ગદ્ય-પદ્ય ગમ્યુ. આજના સદેશના સમાચાર મુજબ પતંગનુ તો બહાનુ જ છે…

    “પતંગરસિયાઓ ટેપમાં મુન્ની બદનામ હુઇ, શિલા કી જવાની જેવા ધમાકેદાર ગીતો વચ્ચે પતંગની મજા માણવા સજજ બની ચૂક્યા છે. ઉતરાણના દિવસે હવાની દિશા અને ગતિ સારી હોવાનો અંદાજ છે જેથી પતંગરસિયાઓને મજા આવશે. આ દિવસે પતંગના આકાશી યુદ્ધ વચ્ચે લોકો સહપરિવાર ધાબા પર જલેબી-ઊંધિયું અને સુખડી-ચિકીનો પણ સ્વાદ માણશે.”…
    ગુજરાતીઓ કોય પણ બહાને મોજમજા માણી જાણે છે.

  13. જયશ્રીબેન,
    મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ. બીના:)

  14. પ્લાસ્ટિકની કે ધારદાર દોરીથી ઈશ્વરે ચગાવેલા પંખીડાના પતંગોને કાપવાનો હક કોણે આપ્યો ભલા? ખુબ જ સુન્દર મારા મન ની વાત અને એજ કારણે મે આજે એક પણ પતન્ગ નથિ ચઢાવી…..

  15. આજે તો તમે અમને ઉત્તરાયણની સારી ‘સેલ’ આપી.
    પતંગ ચગાવીને પૂરી ‘ઢીલ’ છોડી દીધી.
    “તિલ ગુળ ખા આણી ગુળ ગુળ બોલા”.
    આભાર. અભિનંદન.

  16. બેન જયશ્રીબેન,
    મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ
    આ સાથે મારા અમેરીકાના એક મિત્રએ મોકલાવેલ આપણા સાહિત્ય રસિક જનો માટે મોકલું છું.

    મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ……
    શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
    ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
    રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
    કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.

    સહેજ ભીની સહેજ કોરી હોય છે,
    લાગણી તો ચંચળ છોરી હોય છે,
    હોય છે રંગીન પતંગો બધાની પાસે,
    પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

    આતો દુનિયાની રસમ એને નડે છે,
    બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
    પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
    એટલે ઘણા હાથમાં એ ચગે છે.

    પીંછા વિના મોર ના શોભે,
    મોતી વિના હાર ના શોભે,
    તલવાર વિના વીર ના શોભે,
    માટે તો હું કહું છું કે…
    દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *