(આપણી વચ્ચે…. …રેડ બીલ્ડ બ્લુ મેગ્પાઇ, ઉત્તરાખંડ, ૨૦૧૭)
******
ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે ગોફણ છે ગોફણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
આંખો તો મનદુઃખનાં મેલાંમસ વસ્ત્રોને
કીકીઓના વાસણમાં ભીંજવે,
ધોઈને ચોખ્ખાચણાક કરી છેવટ એ
પાંપણની આંગળીથી નીચવે;
એમાં શું ખોટું હું આંખોને કહી દઉં તું ધોબણ છે ધોબણ છે ધોબણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
કોની તે ઝંખનામાં વરસોથી ટળવળતાં
મારાં બધીર સાવ ટેરવાં,
વીંટી જો હોય તો એ પ્હેરી પણ લઈએ
પણ કેમ કરી સ્પર્શોને પ્હેરવા?
પથ્થર પર ઢીંચણિયે ચાલવામાં છોલાયા ગોઠણ છે ગોઠણ છે ગોઠણ છે,
આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે તો પણ છે તો પણ છે.
– અનિલ ચાવડા
ખુબ નઝાકત ભર્યુ કાવ્ય !
સ્પર્શો ને કેમ કરી પહેરવા ….વાહ ક્યાં બાત
મસ્ત..
બહુજ સરસ….