પઠન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
.
પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સૌ રે ઊંઘે ને અમે જાગતાં જી રે!
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈ-બહેન ભાગતાં જી રે.
બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે!
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.
ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતરને કોતરને ચાલ્યાં વટાવતાં,
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે!
રૂપા તે રંગની રેતી વેરાયેલી,
પાસે વહે છે વહેણ વાંકડુ જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું;
શાનું ગોઠે ઘર સાંકડું જી રે!
ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
જોવું છે કોણ એનો સાળવી જી રે!
ખોળો ભરી વીણી શંખલાં ને છીપલાં,
આખાય વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.
સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે!
– બાલમુકુંદ દવે
Khub saras kavita che bas aa syllabus pacho aavi jay to education improve Thai Jay
Can’t remember in which standard this poem was , it was in gujarati text book in 90s
કુદરતના સાન્નિધ્યમાં જે આનન્દ મળે છે તેની યાદૉ જીવનના વ્હેણમાં જે ભુલાઇ ગઈ છે તેણે કાવ્ય ના શબ્દોમાં સાંભળીને
સરકી જતી ક્ષણૉ ની યાદો પણ સાથેસાથે આવી ગઈ.
આભાર,
નવિન કાટવાળા
ખુબ સરસ ! જાને શબ્દ ચિત્ર દોર્યુ! વાહ વાહ્…….
Wonderful reletoionshi p of ‘bhai i and behan”. Attributed very aptly and with wonderful lyrics.
બાળ મુકુંદ।