કિંતુ મારી લીલા ક્યાં છે – આસિમ રાંદેરી

કવિ જનાબ આસિમ રાંદેરી (જન્મ: ૧૫-૦૮-૧૯૦૪) ૧૦૪ વર્ષની ઊંમરે તારીખ ૦૫-૦૨-૨૦૦૯ના રોજ એમના રાંદેર, સુરત ખાતેના મુકામે જન્નતનશીન થયા… આપણા તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ …

એમના ‘લીલા કાવ્યો’ ગુજરાતી કાવ્ય જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે. (કંકોતરી, જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે ) લીલાની સાથે સાથે એમણે તાપી અને સુરત શહેરને પણ ગુજરાતી ગઝલોમાં અમર સ્થાન આપ્યું.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમનું વધુ એક લીલા-કાવ્ય…

.

એ જ બગીચો,એ જ છે માલી,
એ જ ઉષા ને સંધ્યાની લાલી,
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી,
કોયલ બુલબુલ ડાલી ડાલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ બહારો બાગની અંદર,
પ્રેમનાં જાદું રૂપનાં મંતર,
એ જ પતંગા દીપના ઉપર,
એ જ કમળ છે, એ જ મધુકર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ ફુવારો ને ફુલવારી,
રંગબેરંગી પ્યારી પ્યારી,
મખમલ સમ આભાસ પ્રથારી,
જે પર દિલની દુનિયા વારી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ હજી છે ચૂઈ ચમેલી,
આગિયાઓની જ્યોત જડેલી,
આંબાડાળે જુઓ પેલી,
એ જ ચકોરી ચંદા ઘેલી,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

ચાંદ સિતારા એ જ ગગનમાં,
મસ્તી એની એ જ પવનમાં,
તાપી પણ છે એ જ વહનમાં,
એ જ ઉમંગો મારા મનમાં,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

વડ પર બંને નામ હજી છે,
થડ પર કોતરકામ હજી છે,
બે મનનો સુખધામ હજી છે,
સામે મારુ ગામ હજી છે,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

એ જ છે રોનક તાપી તટ પર,
એ જ છે સામે લીલા ખેતર,
વર્ષાની ઝરમરમાં મનહર,
દૂર જ સંતા મસ્જીદ મન્દર,
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

આસીમ આજે રાણી બાગે,
ઊર્મિને કાંઠે ઠેસ ન વાગે,
મસ્ત પવનમાં પુષ્પ પરાગે,
કેમ મને વૈરાગ ન જાગે?
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
કિંતુ મારી લીલા ક્યાં છે.

————-
આસિમજીને શ્રદ્ધાંજલિ :
લયસ્તરો પર – ચર્ચામાં નથી હોતી અને કંકોતરી (સંપૂર્ણ નઝમ)

ઊર્મિસાગર.કોમ પર – લીલાનું થાશે મિલન આજ રાતે.

16 replies on “કિંતુ મારી લીલા ક્યાં છે – આસિમ રાંદેરી”

  1. ખરેખર!! અસીમ રાંદેરી સાહેબની ‘કંકોતરી’ તથા ‘લીલા કાવ્યો’ રચનાઓ માણવાલાયક છે…………..

  2. એ જ હજી છે ચૂઈ ચમેલી,
    આગિયાઓની જ્યોત જડેલી,
    આંબાડાળે જુઓ પેલી,
    એ જ ચકોરી ચંદા ઘેલી,
    સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે,
    કિંતુ મારી લીલા ક્યાં છે

    ચુઇ નહિ કદાચ ત્યા જુઇ આવિ શકે ખુબ સરસ ક્રુતિ ….

  3. જનાબ શ્રી આસિમ રાંદેરીને ભાવભીની શ્રદ્ધાંજલિ!!!

  4. આસિમ્ભૈ ના સ્વર મા આજ વાત ” મારિ લીલા , ” બહુ વખ્ત મુસાય્રરા મદ્ય સરસ રજુવત કર્તા, તે , યાદ આવિ જાય ચે ,સલામ તમ્ને , ને , તમારિ ઈ લેઈલા ને ,

  5. જનાબ શ્રી રાન્દેરી સાહેબને કલાપી એવોર્ડ મળ્યો તે યાદ આવિ ગયુ , એ પ્રસગે શ્રી આસીમ સાહેબે ગઝલ ગાઈને શ્રોતાઓને આખરી સલામ કરી હતી એ કદી ભુલાશે નહી. આભાર અને સ્મ્રુતીવન્દના…… (સરદાર સ્મ્રુતી ભવન, વરાછારોડ, સુરત્)

  6. લીલા આસિમની આ દુનીયામાઁ પુરી થઈ માનશો નહી!

    આસિમ તો અસિમ શ્રધા સાથે ખુદા પાસે છે – જન્નતનશીન.

    રાજેન્દ્ર ત્રિવેદી

  7. જનાબ શ્રી આસિમ રાંદેરીને શ્રદ્ધાંજલિ!!!!!!!!!!!!

  8. Jaane gazal ne jabari panoti bethi che aa varse..pahela Aadil gaya ane have Aasim Randeri pan chalya gaya.
    Gazal na be sopan to jata rahya have bachyu shu?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *