એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા – મુકેશ જોશી

કૈક ચોમાસા અને વરસાદ… એમ લાગે છે ને કે આજે ફરીથી એક વરસાદી ગઝલ? ના રે.. ચોમાસા અને વરસાદથી ભલે શરૂ થાય ગઝલ, પણ ખરેખર તો આ સંપૂર્ણત: કૃષ્ણગીત. અને કૃષ્ણગીત કરતા પણ વધારે તો રાધાગીત.

તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે? જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણ કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એનો આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે લેખિકાએ.

અને મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.. રાધા કે બીના શ્યામ આધા…!!

અને આખી ગઝલનો હાર્દ હોય એવો ગઝલનો મક્તા..!

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

અને હા, હવે તો મુકેશ જોષીની રચનાઓ માણવી easier than ever..! 🙂 વાંચો એમની રચનાઓ એમના પોતાના બ્લોગ પર : http://mdj029.wordpress.com/

(વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા………… )

* * * * * * *

સ્વર – સંગીત : અનંત વ્યાસ

.

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

–  મુકેશ જોશી

60 replies on “એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા – મુકેશ જોશી”

  1. એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા……….
    વાહ…વાહ……કેટલા પવિત્ર પ્રેમ નું પ્રતીક છે….!!!!!!
    પરીશુદ્ધ પ્રેમ……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *