સ્વર / સંગીત – આશિત દેસાઇ
ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને!
સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.
હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.
કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.
એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.
આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.
સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.
આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.
એ બધાં બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.
– બરકત વીરાણી ‘બેફામ’
(1925 – 1994)
ખુબ સરસ રચના
કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.
તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.
જાણે મારાજ મનની વાત કવિએ કરી છે
સરસ સંગીત, સરસ ગાયકી અને અલબત્ત સરસ ગઝલ………………….
ADBHUT.ALOKIK
SHRI BARKAT VIRANI IS A GIFT FROM GOD TO THE GUJARATI GAZALS AND POETRY. HE IS A LEGEND.
ખુબજ દર્દ ભર્યુ ગઝલ્….સરસ શબ્દો અને સરસ સ્વરાન્કન્…..
મારા મોત પર રડે છે એ બધાએ આખી જીંદગી રડાવ્યો છે મને
કેટલું સાચું !
ભાવ અમારા ,શબ્દ કવિના
આજે સાઈટ કેમ જૂદી દેખાય છે?
સુન્દર રચના. સુર શબ્દ સન્ગિત નો અનોખો સન્ગમ્.
ભાવ્વાહિ ગઝલ્ દેીલ હચમચાવેી નાખ્યુ.
khub sundar……….