અમે ગીતોના માણસ રે લોલ
તમે આપીને કોઇ દી પાળો નહી, અમે સાચવીએ વણદીધા કોલ.
આંખ ભેદી બખોલ, એમાં અંધારું ઘોર, કોઇ હૈયા લગ કેમ કરી પહોંચે?
રાત સૂની નઘરોળ, ઝીલે બાવળના સોળ, કોઇ શય્યા લગ કેમ કરી પહોંચે?
દરવાજા-બારીને બંધ કરી દો છો ને હળવેથી કો’ છો કે બોલ !
અમે ગીતોના માણસ રે લોલ.
આભ તલસે તલભાર, કોઇ આવી પળવાર, સૂના આયખાનો ઢોલિયો ઢંઢોળે,
પાય સોંસરવી ઝાળ, પડે ધરતીને ફાળ, કોણ થાશે ગરક મારે ખોળે,
પડતા પતંગ પાસ ભાગે સૌ કોઇ, અમે ભાગીએ પકડવાને ઝોલ.
અમે ગીતોના માણસ રે લોલ.
તાકધીંતાને તાલ, બજે ઢોલક પર વ્હાલ, સૂર સગપણનો સથવારો શોધે,
થયા શ્વાસો તો લાલ, લોહી રમતું ત્રિતાલ, ચૂર શબ્દોમાં અર્થોને ઘોળે,
કોઇ આંગળીની થાપ માટે તરસી રહેલા અમે ચામડીના ગણવેશે ઢોલ.
અમે ગીતોના માણસ રે લોલ.
– હિતેન આનંદપરા
I cannot listen or see the link of Purushottam Upadhyay’s program that you have mentioned on the left side of your page
Live Streaming Link : http://new.livestream.com/accounts/6116578/soorottampurushottam
It is not there … please correct me or help.
Thanks