થોભ્યાનો થાક – સુરેશ દલાલ

ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું:
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું;

વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.

અટકે જો આંસુ તો ખટકે;ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક્ :

આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક.
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું?

– સુરેશ દલાલ

One reply

  1. કશુંક જીવનમાં ખુટે છે , પણ ખબર પડતી નથી. એવુ કવિને લાગ્યું હોય એમ લાગેછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *