11 ઓક્ટોબર એટલે કવિશ્રી સુરેશ દલાલનો જન્મ દિવસ. એમની કવિતાથી, એમનાં વિવેચનોથી, એમનાં લખાણોથી આપણા સાહિત્યને રળિયાત કરનાર વ્યકિત વિશેષ. આપણને વિશ્વકવિતાનો પરિચય કરાવનાર કવિતાપ્રેમી.
ઘણીવાર કવિસંમેલનોમાં બે કાવ્યો- ગીતો એ સાથે વાંચતા.
‘પૂછતી નહિ કેટલો પાગલ, કેટલો પાગલ,
આભમાં જોને કેટલાં વાદળ, કેટલાં વાદળ?…. એટલો પાગલ, એટલો પાગલ’
આના જવાબમાં પ્રશ્નરૂપે બીજું કાવ્ય આવે-
‘આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે?
નજર લાગે એમ શું કોઈ જોતું હશે?’
આ પ્રશ્નો બંગાળી લયમાં ને ઢાળમાં,તબલાંના તાલ વગર, ગિટારના લયે ગાવાની મેં લીધેલી મજા વહેંચીને સુરેશ દલાલને યાદ કરું છું.
– અમર ભટ્ટ
સ્વર – સ્વરાંકન : અમર ભટ્ટ
.
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?
જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o
જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o
ખુબ જ ગમ્યુ, સ્વરકાર અને ગાયક શ્રી અમર ભટ્ટ ને અભિનદન અને આપનો આભાર….
આટલુ બધુ એટલે કેટલુ?
વ્હાલ ની ય સીંમા હોય? જોઇ!
અપાર, અમાપ
વિરહને ક્યા સમાવુ!
ગમ્યુ.
– સુરેશ શાહ, સિંગાપોર