અમે સૌ ગુજરાતી – તુષાર શુક્લ

ગુજરાત દિવસની આપ સર્વેને ખુબ ખુબ શુભેચ્છાઓ….
આજે કવિ શ્રી તુષાર શુક્લની રચના અહીં મૂકતા આનંદ અને ગર્વ અનુભવાય છે.

સ્વર : રૂપકુમાર રાઠોડ, કીર્તિ સાગઠીયા

.

અમે સૌ ગુજરાતી, વિશ્વની મહાજાતિ
મુલાયમ હૈયું છે, વજ્રની છે છાતી

અંતથી ઉભા થયા ખમીરથી ઉભા હશું,
સિદ્ધિ ને શિખર ચડી ગગનને ચૂમી જશું
મળે છે સૌ કોઈને વિકાસનો અવસર
બન્યું ગુજરાત હવે વિકસતા વિશ્વનું ઘર
સદીઓ વીતી ગઈ, સદીઓ વીતી જશે

જીત્યું અમારું ગુજરાત,
ગુજરાતી જીતી જશે

વાત કરે વાદળથી ઉભો ગઢ ગિરનારી
બન્યો છે મહાસાગર શિવજીની જલધારી
આદ્યશક્તિ અંબા માત રે જગદંબા
દ્વારકાદિશ નો જય કૃષ્ણ હે મોરારી
અસુરનો નાશ કરે દધીચિ દેહ ધરે
નમામિ નર્મદા માં ધરાને ધન્ય કરે

આ છે અમારું ગુજરાત
ગુજરાતી જીતી જશે

પ્રેમ પ્રેમ ઝણકાર થાય જ્યાં એવું છે ગુજરાત
વીર ધનુષ ટંકાર થાય જ્યાં એવું છે ગુજરાત
લક્ષ્મીનો રણકાર થાય જ્યાં એવું છે ગુજરાત
વિદ્યાનો સત્કાર થાય જ્યાં એવું છે ગુજરાત
ઘરમાં નરને નાર થાય જ્યાં એવું છે ગુજરાત
વ્હાલ ભર્યો વ્યવહાર થાય જ્યાં એવું છે ગુજરાત

ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત

ઉજ્જવળ ભાવિ કેરી સોહે ભાત અતિ રળિયાત
કલકલતા આશિષ વહે અહીં નમો નર્મદા માત
ભેદના કોઈ ભાવ નહિ સંદેશો હે સૌ જાત
ગુર્જર વિકાસ ગાથા આખા વિશ્વ મહી વિખ્યાત
સત્યતણો સ્વીકાર થાય જ્યાં એવું છે ગુજરાત
સપનાઓ સાકાર થાય જ્યાં એવું છે ગુજરાત

ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
– તુષાર શુક્લ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *