કાજળભર્યા નયનનાં – અમૃત ‘ઘાયલ’

ઑગસ્ટ ૧૮, ૨૦૦૬ માં પહેલા મુકેલી આ ગઝલ આજે મનહર ઉધાસના સ્વરમાં…..

arai56

સ્વર : મનહર ઉધાસ

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.

લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

24 replies on “કાજળભર્યા નયનનાં – અમૃત ‘ઘાયલ’”

  1. મનહર ઉધાસના સ્વરમા ઘાયલની ગઝલ સાન્ભળવાની બહુ મઝા આવી. મને ગમે છે એજ કારણ બીજુ કારણ વળી શુ આપવાનુ?

  2. અફલાતુન!બિસ્મીલને વધુ બિસ્મીલ બનાવવા ઘાયલની દોસ્તી કરવી.

  3. ઘાયલનિ ગ ઝ લ અને ગાય મનહર ઉધાસ….સામ્ભળવાનિ મઝા આવિ ગઇ.

  4. વાહ !
    કાજળભર્યાં નયનોએ કામણ ઠાલવી મને ઘાયલ કરી દીધી…
    ગુજરાતી ગીતોનો ખજાનો આપી આપે મને કાયલ કરી દીધી ….

  5. અમૃત ઘાયલની ગઝલો તો ખુબ જ સુન્દર હોય જ છે. તે કોઇ ને ના ગમે તેમાં કોઇ શક નથી. પણ આ ગઝલની વાત જ કંઇ અલગ છે.

  6. હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
    દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

  7. હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
    દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

  8. ‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
    મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.

    ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
    આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!

    આનાથિ વધારે….
    કહેવા માટે મારિ પાસે શબ્દો નથિ.

  9. લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
    છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે

    આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
    આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

  10. અરે! ભાઈ તમે તો રન્ગ જમાવેી દેીધો.. જબરદસ્ત દોસ્ત.. દિલ દરિયો બનેી ગયુ

  11. મુક્તક

    જિવન મા જો દુખો હોય તો જિવન મધિરા ધામ થયિ જાય
    આ દિલ સુરાહિ અને નયન જામ થયિ જાય

    તુજ નયન મ નિહાળૂ છુ સઘળી રાસ લિલા ઓ
    જો કિકિ રાધા થઇ જાય તો કાજળ શ્યામ થ્ઇ જાય્.

  12. આટલું મોહક સ્ત્રી ચિત્ર આજે જ જોવા મળ્યું !
    કવિ, ગાનાર,તંત્રી સૌનો ઘણો જ આભાર !
    “કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે !
    કારણ નહીં જ આપું..કારણ મને ગમે છે !”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *