દીકરીનું ગીત: પરીઓની એ રાજકુમારી – જયશ્રી મર્ચન્ટ : મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું”

આલબમ: “ મળીએ તો કેવું સારું”

~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: માધ્વી મહેતા, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ. પ્રિયા શાહ

Lyrics:

પરીઓની એ રાજકુમારી
તે દિ’ આવી મારે દ્વાર
મધમીઠી રેશમી ચાંદની
તે દિ’ આવી મારે દ્વાર!

રાતરાણી ખીલી’તી તે દિ’
કે ખીલ્યાં’તા પારિજાત?
મોગરાનાં પગલાંની તે દિ’
પડી’તી હવામાંયે ભાત
ચમેલી ચંપાના અમૃતમાં
જૂઈનો ઘૂંટાયો પમરાટ
મધમીઠી…

રાજકુમારીની તો મીઠી
એવી કાલીઘેલી બોલી
હ્રદયની સોનલ વાટકડીને
એણે કેસર રંગે ઘોળી!
કસુંબલ કેફી આંખો એની
મહેંદીના રંગે ઝબોળી!
મધમીઠી…

મંગળ આનંદનું જગ આખું
દીકરી તેં અમને છે આપ્યું
અનંત આભનો શક્તિપુંજ તું
સુખનું તું બ્રહ્માંડ આખું
દીકરી મારી, કહું જ એટલું,
શિવાસ્તે પન્થાનઃ સન્તુ!
મધમીઠી…

– જયશ્રી વિનુ મરચંટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *