આજે સવારે જ પપ્પા સાથે ફોન પર વાત કરી તો એમણે કહ્યુ કે અમદાવાદમાં બપોરે ૪૫ સેલ્સિયસ (૧૧૩ ફેરનહાઇટ) તાપમાન થઇ જાય છે.. અમેરિકામાં રહેતા લોકોને તો visit to the death valley national park યાદ આવી જાય 🙂
તો એવા જ એક અમદાવાદી ઉનાળાની બપોર માટે લખાયેલું હોય – એવું આ ગીત…
******
તગતગતો આ તડકો,
ચારેકોર જુઓને કેવી ચગદાઈ ગઈ છે સડકો !
કહો, ચરણ ક્યાં ચાલે? એણે એક ન રાખ્યો રસ્તો,
ઘણું હલાવા હવા મથે પણ તસુ ય તે ના ખસતો,
અહીં ધરતી પર નક્કર જાણે ધાતુ શો તસતસતો
સાવ અડીખમ પડ્યો, કશે યે જરીક તો કોઈ અડકો !
જિદ્દીજનનું મન પણ જેની પાસે લાગે હળવું,
વૈદેહીના ધનુષ્યને પણ રામ કને તો ચળવું,
ગિરિ ગોવર્ધનને યે ટચલી આંગળી ઉપર ઢળવું,
પણ આને ઓગળી દેવા કોણ મેલશે ભડકો !
– કવિ નિરંજન ભગત
********