ઝાડ એના પાંદડાંને પૂછે – રમેશ પારેખ

સ્વર : રમેશ પારેખ

zaad3.jpg

.

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

9 replies on “ઝાડ એના પાંદડાંને પૂછે – રમેશ પારેખ”

  1. નવુ અને જુનુ.
    ઝાડ પરથી પાન ખરે, ધરતીમા સમાઈ જાય. એ જ પાન ફરી થી કુંપળ બનીને જન્મે છે.
    કેટલો અતૂટ સંબંધ!
    કાવ્યમાં પ્રતિબિંબિત થાય છે – પાન ઝાડની રુક્ષતાને ઢાંકે છે. ઝાડ, એના પાન ને પોષે છે. આમ બન્ને એકબીજાના પૂરક છે.
    આવો અંતરંગનો વિષય રમેશભાઈ સિવાય કોણ આટલી નાજુકતા થી રજુ કરી શકે!
    આસ્વાદ કરાવવા બદલ આભાર.
    – સુરેશ શાહ, સિંગાપોર

  2. તમે બહૂ સરસ કામ કર્યુ…આવી રીતે કવિ ના પોતાનાજ અવાજ મા ગીત કે ગઝ્લ ….વાહ

  3. ઝાડ અને પાંદડાની આ કવિતા વાંચીને અને અત્યારે પાનખરની ઋતુ પણ છે, એટલે એક બીજી સ્ફુરણા થઈ એ લખવાનું મન થાય છે.

    આ ઝાડનો ધરતી સાથેનો સંબંધ! ધરતી કે જેણે ઝાડને ખૂબ પોષ્યું, એનું જતન કર્યું. તો ઝાડ પણ પોતાની ધરતી પ્રત્યેનો પ્રેમ પોતાનાં પાંદડાંના વિવિધ રંગો થકી અભિવ્યક્ત કરે છે! વિવિધ રંગનાં પાંદડાં એ બીજું કાંઈ નહીં પણ ઝાડની ધરતી પ્રત્યેની અનેકવિધ લાગણીઓનો આવિષ્કાર માત્ર છે! પાનખરમાં પાંદડાના રંગ જોઈશું તો લાલ, ગુલાબી, પીળો, નારંગી, કથ્થાઈ, રાણી, peach એવા તો વિવિધ રંગો, અને દરેક રંગોના પણ અનેક shades!! આ પાંદડાં એટલે જ વિવિધ લાગણીઓ થકી અભિવ્યક્ત થતો ઝાડનો ધરતી પ્રત્યેનો પ્રેમ…રાગ, આગ, રોષ, રીસ, અજંપો, બેચેની, અનિદ્રા, સ્વપ્નિલતા, વ્યાકુળતા, લાડ, લાલનપાલન, અછોવાનાં, મિલન, વિરહ, ઝંખના, ઝૂરવું, ઈર્ષા, સમર્પણ, કરુણતા કરુણા, રમ્યતા, રુદ્રતા, કામુકતા, ભવ્યતા, દિવ્યતા!!!!! જુદાઈની આગ એ બળતા અગ્નિ જેવા રંગનું પીળું પાંદડું તો રુદ્રતા એ ધગધગતા લાવારસ જેવું bright orange રંગનું પાંદડું તો વળી કામુકતા અને રમ્યતા એ ગુલાબના ફૂલ જેવું લાલચટ્ટક પાંદડું……..

    ધરતી કે જેણે ઝાડને ખૂબ વ્હાલથી પોષ્યું છે, પ્રેમવારિનું સિંચન કર્યું છે, અને ઝાડને પોતાની અન્દર અડીખમ જકડી રાખ્યું છે! અને એટલે તો ઝાડ કેટલું સરસ મ્હોરી ઊઠ્યું છે, ખીલી ઊઠ્યું છે, મુક્ત આકાશમાં શીતલ સ્વચ્છ હવા ખાઈ રહ્યું છે! અને આ સંબંધની ચરમસીમા તો જુઓ! અરે! પાનખરમાં પાન ખરે તે બીજું કાંઈ નહી પણ ઝાડ અલગ અલગ પાંદડાંથી ધરતીને ચૂમે છે. ત્યાં સુધી કે ઝાડ પોતાનાં બધાં પાંદડાં ધરતીને સમર્પિત કરી નિષ્પર્ણ થઈને ઊભું રહે છે- અને ધરતીને કહે છે કે આવ! મને તું સમાવી લે તારામાં! અને બન્નેનું મિલન આપણને દેખાય નહીં એવી જગ્યાએ એટલે કે જમીનની અન્દર થાય છે! ઝાડનાં મૂળિયાં ધરતીની માટીમાં ખૂંપી ગયાં છે, માટીમાં ફેલાઈ ગયાં છે. માટી પણ મૂળિયાંને વળગી પડી છે. માટી વિનાં આ મૂળિયાં પ્રાણહીન છે, તો મૂળિયાં વિના માટી પણ ચેતનહીન અને કઠ્ઠણ બની જાય છે. પરન્તુ આવો પ્રેમ ધરતીની અન્દર છે- બહારની દુનિયાને એની ખબર નથી. …….મિલન પછી તૃપ્ત થયેલું, ગાંડુઘેલું થયેલું ઝાડ ફરીથી પાછું પલ્લવિત બની લહેરાઈ ઊઠે છે. આ સમર્પણ-મિલન-નવપલ્લવની પ્રેમપ્રક્રિયા અનન્તકાળ સુધી ચાલતી જ રહે છે!!

    પ્રેમસંબંધની ઉપર્યુક્ત અભિવ્યક્તિ જેટલી એક વ્હાલા-વ્હાલીને લાગુ પડે છે, એટલી જ એ ભક્ત અને ભગવાનના સંબંધને લાગુ પડે છે. ભક્તનો ભગવાન સાથેનો સંબંધ પણ આવો હોઈ શકે છે, અને એ સંબંધ પણ જમીનની અન્દર થતો હોય એવો છે, છૂપો છે. ભગવાનને પામેલો ભક્ત ક્યારેય નથી કહેતો કે મેં ભગવાન પામ્યા છે, એ તો એની મસ્તીમાં જ રહી નવસર્જન કરતાં કરતાં પ્રેમસંબંધને માણતો રહેતો હોય છે. કોઈ અહી એમ પણ કહી શકે કે મારે મન મારો પતિ અથવા મારી પત્નિ જ ભગવાન છે અને અમારો પણ આવો જ સંબંધ છે- તો એમાં પણ કશું ખોટું નથી, આખરે એ તો માર્ગ છે કે બન્ને એ રીતે અનન્તને પામે!

  4. ઝાડ અને પાંદડાને પ્રેમ થઈ ગયો! ઝાડ એકલું હતું ત્યારે એનું કોઈ સૌન્દર્ય ન’તું. કોઈની આંખડી એ ઠારી ન’તું શકતું, કોઈને એ શીળી છાંય આપી ન’તું શકતું. અને પાંદડું પણ એકલું હતું ત્યારે એનું કોઈ અસ્તિત્વ ન’તું. કોઈને ખબર પણ ન’તી કે પાંદડા જેવી કોઈ અભિવ્યક્તિ આ જગતમાં છે. પાંદડું પોતાના અસ્તિત્વ અને અભિવ્યક્તિઓને સાકારિત કરવા કોઈને શોધતું હતું. અને તેને ઝાડ મળી ગયું! પાંદડાનો આધાર બન્યું ઝાડ, અને ઝાડની શોભા બન્યું પાંદડું. એકમેકને ચીપકેલા બન્ને પ્રેમના અનન્ત વિશ્વમાં વીહરી રહ્યાં. ઝાડની ખરબચડી ચામડીને ઢાંકીને પાંદડાએ ઝાડને સૌન્દર્ય આપ્યું, એક ગૌરવ આપ્યું. તો ઝાડ પણ પણ પાંદડાને પુષ્ટિ આપતું રહ્યું, એની એક એક લાગણીઓને ખીલવતું રહ્યું. ડાળી અને ડાળખાં એ આપણા વચ્ચેની આડ નહીં, પણ એ મારા તારી પર વ્હાલથી ફરતા હાથ એ એમ ઝાડ પાંદડાને કહે છે. પાંદડાની એક લાગણી એ પણ છે કે એ આકાશને અડે, પણ એવું કરવામાં ઝાડથી છૂટું થવું પડે એટલે જ ઝાડ એને જમીનથી બાંધી રાખે છે અને આકાશને અડવાની તો નહીં પણ ખુલ્લા આકાશમાં ફરકવાની સ્વતંત્રતા આપે છે…અને ઝાડ બન્ધાઈ રહે છે જમીન સાથે કે જે ઝાડ અને પાંદડાંના સંબંધની જીવાદોરી છે, અર્થાત ઝાડ એ પ્રેમસંબંધને છેવટ સુધી પકડી રાખે છે- કે જેથી કરીને આ સંબંધ ક્યારેય તૂટે નહીં! તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

    પ્રેમસંબંધમાં ક્યારેક કોઈ એક ઊંડે દટાઈ જઈને અડીખમ ઊભું રહે છે કે જેથી બીજું મુક્ત બની જીવન માણી શકે. અને જે દટાય છે એના માટે આ જે જીવન માણી રહ્યું હોય છે એ ઘટના જ એનું જીવન, એનો આનન્દ બની રહે છે. ખૂબ ભાવમય સુન્દર કાવ્ય છે આ!

    • આ કવિતા વાંચી કવી કાગ બાપુ ની સ્મૃતિ થઈ આવે છે ..
      વડલો કહે ઓલી વનરાયું સળગી, મેલી દીયો ને જૂના માળા,
      ઉડી જાઓ પંખી પાંખું વાળા…
      ભેળાં જન્મશું,ભેળાં મરીશું, માથે કરશું માળા ;
      “કાગ” કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા…
      ઉડી જાઓ પંખી પાંખું વાળા..

  5. This is trade-mark poem of Ramesh Parekh.Through a dialouge of a leave and a tree,he has narrated unspoken dialouge between all ofsprings and parents.He is the only poet who can touch unspoken sentiments and say it in very simple,direct words.His poems demand that all of them be translated in other languages.It can familliarise non gujaratis with rythems of gujarati hearts.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *