દીપોત્સવીના દીવે દીવે – ચંદ્રકાન્ત શેઠ


દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –

ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.

– ચંદ્રકાન્ત શેઠ

3 replies on “દીપોત્સવીના દીવે દીવે – ચંદ્રકાન્ત શેઠ”

  1. I am searching for a poem by Shree Chandrakant Sheth…

    આ તારા કેશ નથી …

    Can you please find it out and send me?

  2. આવ…..દિવાળી…..આવ….
    દીવા તણો પ્રકાશ…લાવ….
    આવ દિવાળી….આવ….
    અંધારા..ઉલેચાવ….!
    નરેન્દ્ર સોની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *