લક્કડબજારમાં લાગી આગ – સિતાંશુ યશશ્ચંદ્ર

લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
રામે શબરીને કહેવડાવ્યું : હવે અવાયું તો આવીશ.

શબરીએ સાંભળ્યા બોલ,
ત્યારે ભીલડાંના ગામમાં વાગતા’તા ફાગણ મહિનાના ઢોલ.

મોટા મોટા ઢોલ બજે ત્યાં કોને કાને પડે
શબરીની છાતીનો સૂનકાર? બોલ્યા વિના દડદડે.

અવાજનાં લીલાંછમ વન તો એય ને લાંબાં ઝૂલે
સૂનકારની લાતીઓનાં તાળાં ચાવીથીયે ના ખૂલે. (લાતી = કોઠી)

એ લક્કડબજારમાં લાગી આગ ને બગલાં ઊડ્યાં બાવીશ,
શબરીએ રામને કહેવડાવ્યું : રામજી, સામો લેવા ના’વીશ.

પણ વનમાંથી કંઈ લાતીઓ નથી થાતી રાતોરાત,
આ આખ્યાનમાં માંડી છે એ સુકાવાની વાત.

પહેલાં તો સુકાઈ ગઈ છાલ, પછી સુકાયો ગરભ,
કોઈએ પણ જોયું નહીં એ અરધાં બોરાં તરફ.

સમાચાર સાંભળ્યા પછી હળવે હળવે એ બાઈ
ચાખી રાખેલાં બોરને પોતે જ ચગળી ચગળી ખાય.

બે’ક ખાધાં. પછી ખવાય નંઈ, જાણે ચારે ખૂણે પેટ,
શબરી સોચે છે, આ છે તો મીઠાં, પણ હવે કોને આપું ભેટ?

કડવો તો કે લીમડો, મીઠું તો કે મધ,
ડાળ તો કાપી એક જ ને લાતીઓ ઊભી થઈ આડેધડ.

ડાળી તો એક એવો રસ્તો કે ભાઈ વળતો ઢળતો વધે,
અંત અટકી જાય અચાનક ને પહોંચાડે બધે.

ભીલ બાઈનો કાળો હાથ એક ડાળખા પેઠે ઊંચકાયો,
એને છેડે અમળાયેલાં આંગળાં પાનખરનો પ્રશ્ન પુછાયો.

બૂઢાપામાં બાઈ કાંપતી, જાણે કોઈ બોરડી ખંખેરતું,
આખું ઘટાટોપ ટપોટપ ફળ વેરતું.

નીચું મોં કરી બેઠી શબરી, ખોળામાં ઢગલો બોર,
એની આંખોમાં એવો તો ભાર કે ઊંચકતી નથી એકે કોર.

બોરાં ઝૂલતાં બોરડી, આંસુ ઝૂલતાં આંખ,
હવે સવાદ હું નહીં કહું રામજી, તારે ચાખવું હોય તો ચાખ.

અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

4 replies on “લક્કડબજારમાં લાગી આગ – સિતાંશુ યશશ્ચંદ્ર”

  1. લ ક્ક્દ બ જાર મા લા ગિ આગ કાવ્ય્નુ વિવેચન્ કરો વિવેકભઇ.

  2. અવાજના વનમાં એ વસે એક ખૂણે ચૂપચાપ,
    જેવો પેલો રામ અમર તેવી અમર શબરીયે આપ.
    આ છેલ્લી બે પંક્તિ ખૂબ સરસ .
    શબરી એક ભીલડી પ્રભુની વાટ જોતા અમર થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *