હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં – રમેશ પારેખ

ઓક્ટોબર ૨૦૦૭થી ટહુકો પર ટહુકતું આ મઝાનું બાળગીત.. આજે ફરી એકવાર જયદીપભાઇના સ્વર સાથે..!

સ્વર – જયદિપ સ્વાદિયા
સ્વરાંકન – પરેશ ભટ્ટ

——————————

Posted on October 16, 2007

રમેશ પારેખનું આ બાળગીત ન સાંભળ્યું હોય, એવો ગુજરાતી સાહિત્યનો રસિયો શોધવા માટે કદાચ દીવો લઇને નીકળવું પડે.. ( અને તો યે મોટેભાગે તો એ ના જ મળે..!! ) મને યાદ છે, E.TV ગુજરાતી (અથવા આલ્ફા ગુજરાતી) પર એક કાર્યક્રમ આવે છે – કંઠે કલમના મોતી.. એની જાહેરાતમાં કાયમ આ ગીત દર્શાવતા..!!

મને ખૂબ જ ગમતું આ બાળગીત, તમને પણ એટલું ગમશે.. !!

સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : મેઘધનુષ (શ્યામલ – સૌમિલ મુનશી)

ટહુકો ફાઉન્ડેશનનાં “સૂર શબ્દની પાંખે” કાર્યક્રમમાં આરુષિ અને શ્રાવ્યા અંજારિયાએ આ મજાનું ગીત પાછું હોઠે રમતું કર્યું.સાંભળો અને જુઓ ટહુકોની યુટ્યુબ ચેનલ ઉપર

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.

મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી…
હું ને ચંદુ…

દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ…
હું ને ચંદુ…

કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .

દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા…
હું ને ચંદુ…

( આભાર : લયસ્તરો )

Happy Birthday, Rashi..!!

55 replies on “હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં – રમેશ પારેખ”

  1. ગજબ, ખૂબ મજા પડી. જેટલું સરસ લખાયું છે, તેટલુંજ અદભુત સંગીત અને તેનું કમ્પોઝીશન છે. ખરેખર આવા આઉટ ઓફ ધ બોક્સ ગીતો આવતા રહેવા જોઇએ. આપણી ગુજરાતી ભાષા ખૂબજ સમૃદ્ધ છે, ગર્વ છે ગુજરાતી છું અને તમારા જેવા સુંદર કલાકારો છે. એમ થાય છે કે લખ્યાજ કરું…લખ્યાજ કરુ…ટૂંકમાં મજા પડી ગઇ ભાઇ મજા પડી ગઇ…

  2. બહુ મજા આવી….50 માં વર્ષે 5 વર્ષ ની ઉમર ની જેમ મજા કરી….મારા બંને બાળકો પણ જે 20 વર્ષ ઉપર ના છે એ પણ મને આ માણતો જોઈ અચંબા માં પડી ગયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *