કવિ રમેશ પારેખના નામની ઓળખાણ થોડા શબ્દોમાં શક્ય જ નથી… પણ તો યે, તમારે કોઇને રમેશ પારેખની ઓળખાણ આપવી હોય – તમારા શબ્દોમાં – તો કેવી રીતે આપશો? નીચે કોમેંટમાં લખીને જણાવશો? (ફેસબુક પર કોમેંટ આપશો તો પણ ચાલશે)..
રમેશ પારેખ વિષે – મોરારી બાપુ – કવિ સુરેશ દલાલ, મકરંદ દવે, ચિનુ મોદી & વિવેક ટેલર શું કહે છે એની એક ઝલક અહીં વાંચો..!!
*****************
રમેશની વાણીએ ગુજરાતની આંખો ભીની કરી છે. હોઠ પર હાસ્ય ફરકાવ્યું છે. હ્રદયને ભીજવ્યું છે. કટાક્ષની ધારથી મનને ફટકાર્યું છે. અને પ્રાણને તેજ પાયું છે. રમેશ ગુજરાત પર અમૃતમેઘ બની વરસ્યો છે. વિદ્યુત બની ચમક્યો છે અને દુધિયાં વાદળ સમો વિહર્યો છે. અત્યંત કુમાશથી માંડી અત્યંત કૌવત સુધી તેની વાણી વિસ્તરી છે.
– મકરંદ દવે
રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.
– મોરારિ બાપુ
રમેશ પારેખની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે.
– સુરેશ દલાલ
એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ…
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
– વિવેક ટેલર
ન્હાનાલાલ પછી પ્રજા દ્વારા હોંશથી પોંખાયેલો આ એક જ કવિ છે. પૂર્વે ન્હાનાલાલે અને હમણાં રમેશે જ ગુજરાતણોના કંઠમાં ગીતોથી માળો બાંધ્યો છે. રમેશ પારેખની કવિતાનું પુનઃ મૂલ્યાંકન આ ક્ષણે શક્ય નથી કારણકે રમેશ નું સાચું મૂલ્યાંકન હજી થયું જ નથી!
– ચિનુ મોદી
લય ના બેતાજ બાદશાહ એટલે રમેશ પારેખ……
રમેશ પારેખ એટલે ” ગુજરાતી સાહિત્યનુ માન -ગર્વ અને ગૌરવ” આલા દરજ્જાનો ખુલ્લાશવાળો ઇન્સાન .
દોમદોમ … ફાટફાટ … રોમરોમ છલકાતો માણસ…. અનન્વય અલંકાર- <"મા તે મા" જેવો … "વૈપુલ્યથી અને વૈવિધ્ય" સુધેી વિસ્તરતો શબ્દોનો શહેન્શાહ ..રાજા … ખાન ,'કંઇક ભાળી ગયેલો' સનાતન "ખોજેી"-ભેીતર નો પ્રવાસેી
-લા' કાન્ત / ૨૧.૫.૧૪
તમને ફૂલ દીધાનુ યાદ!
છ અક્ષર નું નામ……